Category Archives: સોનલ પરીખ

અડોઅડ – સોનલ પરીખ

(લૈ સમુદ્રો પ્હાડ વચમાં….. )

***

હું ને મારા વ્રણ અડોઅડ
આગ ને ઈંધણ અડોઅડ

સાથ કે જોડાણ ક્યાં છે ?
રાખનું વળગણ અડોઅડ

લૈ સમુદ્રો પ્હાડ વચમાં
બેસતાં બે જણ અડોઅડ

કોણ કોને કેમ ફળવું
તથ્ય ને તારણ અડોઅડ

હું મને મળવા ગઈ ત્યાં
કોકે લીધું પણ અડોઅડ

આપણા કૈં કેટલાં ‘પણ’
શક્યતાની ક્ષણ અડોઅડ

મૌનની કોમળ સમજ છે
વ્યર્થના ભાષણ અડોઅડ

– સોનલ પરીખ

***

(વ્રણ = ઘા; નારું)