પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ કવિ

પાર્થને કહો ચડાવે બાણ.
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુન્તાની છે એ આણ:
પાર્થને કહો ચડાવે બાણ.

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી —
કીધાં સુજનનાં કર્મ;
આર્ય સુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ;
સજીવન થાય પડ્યાયે પ્હાણઃ
પાર્થને કહો ચડાવે બાણ.

દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
રાજસભાના બોલ;
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ:
પાર્થની પ્રત્યંચાને વાણ:
પાર્થને કહો ચડાવે બાણ.

મેહુલો બોલે, વાયુ હુંકારે,
ત્યમ તલપો, સિંહબાળ!
યુગપલટાના પદપડછન્દે
ગજવો ધોર ત્રિકાળ:
સજો શિર વીર! હવે શિરસ્ત્રાણઃ
પાર્થને કહો ચડાવે બાણ.

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ:
સત્ય, શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ:
ઊગે જો! નભ નવયુગનો ભાણઃ
પાર્થને કહો ચડાવે બાણ:

વિધિનાં એ જ મહાનિર્માણઃ
પાર્થને કહો ચડાવે બાણ.

– ન્હાનાલાલ કવિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *