Category Archives: નંદિતા ઠાકોર

એક પળમાં… – નંદિતા ઠાકોર

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી
કે નથી રૂપેરી રાતના ય ઓરતા
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં
એમાં ગુલમોર છોને મ્હોરતા

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું
સાંજ તણી આશાએ અહીં…

મારામાં ઊગેલું મારાપણું ય હવે
તારામાં રોપી હું છુટ્ટી
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી

ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ
એવું આંખોમાં જોતી હું રહી.