Tag Archives: સંનિધ શાહ

જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું (ગઝલ) ~ કવિ: હેમેન શાહ ~ સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: સંનિધ શાહ 

કવિ: હેમેન શાહ
સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સંનિધ શાહ

જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું.
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે.
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટાહાસ લાવ્યો છું.
***