હોઈએ જ્યાં ત્યાંય હાજર આપણે હોતા નથી
આપણામાં પણ નિરંતર આપણે હોતા નથી
ઘાટ મનગમતો ઘડે ક્યારેક કોઈ આપણો
એટલા નાજુક પથ્થર આપણે હોતા નથી
જેટલાં સૌને સતત દેખાઈએ – દેખાડીએ
એટલાં વાસ્તવમાં સુંદર આપણે હોતાં નથી
એક ચહેરો પણ ન સરખો આપણાથી ઊકલે
સાવ એવાં તો નિરક્ષર આપણે હોતાં નથી
આપણામાં કોઈ પણ પૂરેપૂરું ડૂબી શકે
એ સરોવર કે સમંદર આપણે હોતાં નથી
~ બાબુલાલ ચાવડા ‘આતુર’
~ ગઝલસંગ્રહઃ શબ્દ પણ બોલ્યા વિના
પ્રસ્તુત ગઝલમાં શાયરે આપણી ભીતર રહેલો વિરોધાભાસ આક્રોશ કે ઉહાપોહ વિના, શાંત ચિત્તે વ્યક્ત કર્યો છે.
આયોજન કરીએ ત્યારે સૌથી મોટી મોકાણ ચાલુ કાર્યક્રમે પ્રેક્ષકોનું વ્હૉટસેપ ચેકિંગ અને ચેટિંગ બંધ કરાવવાની હોય છે. કેટલાક તો વળી પહેલી હરોળમાં બેસી ગેમ રમતા હોય છે. એક બહેનને તો મેં સલવાર કમીઝ ખરીદવાની પ્રક્રિયા કરતાં જોઈ ટોક્યા અને વળતરમાં એમની પહાડી નારાજગી વહોરી લીધી હતી. આ પ્રકારનું નિર્લજ્જપણું કલાજગત માટે અપમાનજનક અને હાનિકારક છે. આપણી સામે જ આપણી અવગણના થતી જોવી દુઃખદ છે. શાયરે આપણી કેટલીક ખામીઓ આ ગઝલમાં ઉજાગર કરી છે. આ યાદી લંબાઈ પણ શકે છે.
***

