બસ વહેવા દો – યામિની વ્યાસ

આજે ‘World Menstrual Hygiene Day’ છે. સ્ત્રીના અસ્તિત્વના સૌથી પવિત્ર પાસા – ‘માતૃત્વ’ સાથે જેનો અતૂટ નાતો છે, એ નૈસર્ગીક પ્રક્રિયાને સદીઓથી હીન ભાવનાથી જોવાતી આવી છે, કદાચ સામાજિક દૂષણની હદે એનો વ્યાપ છે અને આ અજ્ઞાનતા પ્રેરિત, કદાચ પુરુષપ્રધાન સમાજ દ્વારા ઈરાદાપૂર્વક કંડારેલા કાંટાળા માર્ગમાંથી લગભગ દરેક મુગ્ધા, યુવતી અને પ્રૌઢ સ્ત્રી પસાર થાય જ છે.
આજે આપણે આ જૂના માર્ગને છોડીને બસ આપણા ઘરની વહુ-દીકરીઓને, સ્ત્રીઓને આ રૂઢિચૂસ્ત સકંજામાંથી બહાર કાઢીએ.
દરેક મા આ બદલાવ લાવી જ શકે, દરેક દીકરીની મુક્તિ માટે નવી કેડી કંડારી જ શકે.
બોલો, તમે તૈયાર છો?!

આવી જ હાકલ કરતી કવિતા, સુરતના કવિયિત્રી યામિની વ્યાસ રજૂ કરે છે –

હું તો કંકુવરણી શુકનિયાળ નદી છું
અને તમે બંધિયાર વાવ કહો છો!
ધીમેધીમે જૂની માન્યતાનાં જર્જરિત પગથિયાં ઊતરો તો સારું.
મેં તો એમાં સાંભળેલી બધી ગઈકાલોને વહાવી દીધી છે.
તમેય ઓગાળી દો વ્યર્થ ગુસપુસ ઘોંઘાટ.
મૌનથી વધાવો છલકી ઊઠેલા રતુંબલ પ્રવાહને.
નદીને નદી જ રાખો.
તમારી રોકટોકથી એ તરફડતી માછલી ન બની જાય,
કારણ કે
હું જ એમાં ઓગળીને ફરી નવી બનું છું.
એ રીતે હું જ ફરી મને ઘડું છું,
ને તમારો દેહ ઘડનાર પણ હું જ.
ઋતુનું ચક્ર સહજ ફરતું રહે છે.
એ દિવસો પછી ફરી લાલ જાજમ બિછાવવી શરૂ કરું
થાક્યા વિના ને
પ્રતીક્ષા પછી આખો અસબાબ વહાવી દઉં નદી બની.
કદી માતૃત્વ પ્રાપ્ત કરું
તો સર્જક બ્રહ્માજીના સાંનિધ્યે હોઉં એવું લાગે.
આ નદી મારી ફળદ્રુપતાની નિશાની છે,
સ્ત્રીત્વની વધામણી છે,
એટલે જ વહેતી રહું છું,
ત્રિવેણી સંગમની ગુપ્ત નદી માફક,
મારી જ નસેનસમાં ને સકલ અસ્તિત્વમાં પણ.
એનો આટલો ઊહાપોહ શાને?
આ તો શરમની નહીં, ગર્વની વાત છે.
તમે કંઈપણ કહેવાનું રહેવા દો.
બસ, મને વહેવા દો.

– યામિની વ્યાસ

One reply

  1. સંયમિત ભાષામાં સભ્યતાપૂર્વક સત્યનિવેદન કરી સમાજજાગૃતિ માટેનો સાહસિક પ્રયાસ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *