મોજમાં રેવું, મોજમાં રેવું – ‘દાન અલગારી’

ગુજરાતી લોક સંગીત અને ગુજરાતી સાહિત્યના કવિઓ અને કલાકારોએ માત્ર લોકોને મનોરંજન આપવા માટે કામ નથી કર્યુ, પરંતુ કાયમ સમાજને પોતાના સર્જનથી એક સંદેશ આપ્યો છે. ચારણી સાહિત્યના ઉપાસક અને લોક સાહિત્યના એક ખૂબ જ વિદ્વાન કવિ એટલે કવિશ્રી તખદાન ‘અલગારી’. લોકોના હૃદયને સ્પર્શે એવી અનેક રચનાઓ આપી અને ઘણી રચનાઓ ખૂબ જ લોકપ્રિય બની જેમાની એક રચના એટલે કે, “મોજમા રે’વુ”. જાણેકે જીવન જીવવાનો સરળ ભાષામાં એક મંત્ર આપી દિધો હોય એવું ગીત. આ રચના છેલ્લા અનેક દાયકાઓથી ડાયરાના મંચ ઉપર ગવાય છે અને પરમ પુજ્ય મોરારી બાપુ પણ આ રચનાને ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી પોતાની કથામા ગાય છે.

પણ, આવી અમુલ્ય રચનાઓ જો માત્ર જુની પેઢી સુધી જ રહેશે અને નવી પઢીને આવા જીવન જીવવાના મંત્ર જેવી અને લોક સંગીતના હીરા જેવી રચનાઓ નહીં મળે તો આ નવી પઢીને અને આપણા ગુજરાતના સંગીત, સાહિત્ય અને સંસ્કૃતીને ખૂબ મોટુ નુકસાન પહોંચશે. અને એટલા જ માટે હું આદિત્ય ગઢવી આ ગીતને નવી પેઢીના મારા યુવાનો સાંભળી, સમજી અને માણી શકે એટલે એને એક નવા અંદાજમા લઇને આવ્યો છું.

માત્ર ઓડીયો જ નહીં પણ વીડીયોમાં પણ એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે અમે લોકોએ. જીવનમાં માણસને એવી વિકટ પરસ્થિતીઓમાં ઈશ્વર મુકે છે કે જ્યારે તે પોતાના જીવનનો અંત કરવાનો વિચાર કરે છે. જીવનની કોઇ પણ પરિસ્થિતી માણસના મનમાં આ વિચાર ન લાવવી જોઇએ અને એ પરિસ્થિતીમાંથી બહાર નિકળવાની એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઇએ. જેમ ખૂબ દબાણથી કોલસામાંથી હીરો બને, સોનામાંથી દાગીના બનાવવા જેમ એને ખૂબ તપાવવું પડે અને જેમ એક બીજમાંથી એક મોટું વટ્ટવૃક્ષ જન્મે છે એમ જ માણસ પણ સંઘર્ષ અને દુ:ખ સહન કરીને જ મહાન બને છે અને સાચું જીવન જીવ્યો ગણાય છે.
– આદિત્ય ગઢવી

સ્વર: આદિત્ય ગઢવી

.

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે,
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે…
મોજમાં રેવું…

કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે,
મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે,
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે…
મોજમાં રેવું…

લાય લાગે તોય બળે નઈ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે…
મોજમાં રેવું…

સંસાર ખોટો કે સપનું ખોટું સૂજ પડે નઈ રે,
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે,
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે…
મોજમાં રેવું…

ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવિંદો રે,
હરિ ભગતું ને હાથ વગો છે પ્રેમનો પરખંદો રે,
આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું…
મોજમાં રેવું…

રામ કૃપા અને રોજ દીવાળી રંગના ટાણાં રે,
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે,
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે…
મોજમાં રેવું…

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે,
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

-તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

3 replies on “મોજમાં રેવું, મોજમાં રેવું – ‘દાન અલગારી’”

  1. અતિ સુંદર શબ્દરચના ભર્યું કાવ્ય અને ગુંજતું રહે તેવી સુર રચના .
    મોજ આવી ગઈ.

  2. અલગારી મસ્તી અને અવધૂતી મિજાજ. તેમાં ભળે કાઠીયાવાડી ખુમારી અને ભકિતનો ભગવો રંગ. તે વખતે આવું સહજ સમાધિનું ગાણું આપમેળે ગૂંજી ઉઠે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *