એટલું સાબિત થયું – નીરજ મહેતા

હાથ છુટ્ટો રાખવાથી એટલું સાબિત થયું
હા, મળે છે આપવાથી એટલું સાબિત થયું

સાવ બરછટ મારા ચહેરામાં, બીજો ચહેરોય છે
તારી સાથે ચાલવાથી એટલું સાબિત થયું

સુખ પ્રખર સૂરજ બન્યું ને જીવ સૂકાતો ગયો
ફેર પડશે નહિ દવાથી- એટલું સાબિત થયું

ક્યાંક શ્રદ્ધા પણ હશે ઘરના કોઇ ખૂણે હજુ
બારણા પર શ્રી-સવાથી એટલું સાબિત થયું

દૃશ્ય ગોરંભાય, રણમાં માવઠાની છે વકી
આંખની આબોહવાથી એટલું સાબિત થયું

દૂર ભાગો જેમ આવે એમ એ સામે ફરી
ઈન્દ્રિયોને મીંચવાથી એટલું સાબિત થયું

- નીરજ મહેતા

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની આ વાંચતા વેંત પલળી જવાય એવી મઝ્ઝાની કવિતા! અને એને સ્વર-સ્વરાંકન મળ્યા વિજલબેન પાસેથી. આશા છે, આપને પણ પલળવાની મઝા આવશે!

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

- ધ્રુવ ભટ્ટ

હવે તારામાં રહું? -મૂકેશ જોશી

આ ગીત…. મારું ખૂબ જ ગમતું ગીત… એને કોઇના સ્વર-સંગીતમાં સાંભળવાની ઇચ્છા ૮ વર્ષે પણ ફળી ખરી! આભાર વિજલબેન! આવા મઝાના સ્વરાંકનો ટહુકો ને મોકલતા રહેશો તો ગમશે! બરાબર ને મિત્રો?

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

——————-

મને ખૂબ જ ગમતું આ ગીતની લયસ્તરો પરથી સીધી ઉઠાંતરી જ કરી છે… પણ ગીત છે જ એવું સરસ…. થોડા થોડા દિવસે એકવાર વાંચી લેવાની ઇચ્છા થાય જ…!! કોઇએ આ ગીત સંગીતબધ્ધ કર્યું છે ખરું ? તમને ખબર હોય તો જણાવજો….

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ – નિરંજન ભગત

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એની એજ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એજ રાખ.

એની એજ લૂ ને એની એજ લ્હાય
એનો એજ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એજ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુક્રપાઠ
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

- નિરંજન ભગત