તારી એમાંથી નવી ઓળખ મળી છે – અશરફ ડબાવાલા

તું હતી ત્યાં તારી વસ્તુઓ પડી છે,
તારી એમાંથી નવી ઓળખ મળી છે.

સઘળી હોડી ૫૨ હતી. શ્રદ્ધા પરંતુ,
થોડી ડૂબી ગઈ અને થોડી તરી છે.

મારા જે જે યત્નો હાર્યા’તા સ્વયંવર,
મારી ઇચ્છાઓ બધી એને વરી છે.

પર થયો છું માગવાને આપવાથી,
જાતરા મેં હાથની પૂરી કરી છે.

શી ખબર પીડા હવે ક્યાં જઈ સમાશે?
પાંપણેથી એક નદી પાછી વળી છે.

– અશરફ ડબાવાલા

સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં – જલન માતરી

મહેલો મહી રહું કે હું જઈને વસું કુટિરમાં,
સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં.

પ્હોંચી શકાશે મંઝિલે શી રીતે એ જ પ્રશ્ન છે,
શક્તિ રહી નથી હવે પહેલાં સમી શરીરમાં.

ઊંચે જવું જો હોય તો હલકાની લે મદદ જરૂર,
પીંછાં વિના વિહંગના આવે ગતિ ના તીરમાં.

નિજ હાલ પર ન ગર્વ કર ના હસ બીજાના હાલ પર,
નહીંતર થઈને રહેશે શું તારું અહીં લગીરમાં.

હાલતના તો ગરીબ પણ દિલના તો બાદશાહ છીએ,
ગણના અમારી તે છતાં થાતી નથી અમીરમાં.

– જલન માતરી

હું ફરી ચાલ્યો તને ખોવા તરફ – શોભિત દેસાઈ

આવ જા નું છળકપટ જોવા તરફ
ધ્યાન ઘરનું દ્વારના હોવા તરફ

આંખ વરસે જાય હૈયાફાટ, ને-
આંગળી પણ જાય નહિ લો’વા તરફ

ટેરવે ટશિયા ફૂટે છે રક્તના
મગ્ન તોયે પુષ્પને પ્રોવા તરફ

પહેલા તો એકીટશે જોઈ તને,
મન ગયું’તુ એ પછી મો’વા તરફ

ના, ટકોરાનો નથી અણસાર પણ
બંધ દરવાજા જતા રોવા તરફ

ડૂબકી મારી છે ગંગામાં અમે
પાપ નહિ પણ પુણ્ય સૌ ધોવા તરફ

તેં ફરી ઉલ્લેખ શરતોનો કર્યો
હું ફરી ચાલ્યો તને ખોવા તરફ

– શોભિત દેસાઈ

એ અનુરાગ છે વિરાગ નથી – મરીઝ

લીન ઈશ્વરની યાદમાં રહેવું,
એ અનુરાગ છે વિરાગ નથી.

પ્રેમમાં વહેંચણી જરૂરી છે,
દર્દના કોઈ પણ વિભાગ નથી.

મારી દૃષ્ટિએ બિનજરૂરી છે,
જે તજું છું એ મારો ત્યાગ નથી.

હાથથી ખોજ, ચાલ અંધારે,
હાથ તો છે, અગર ચિરાગ નથી.

મસ્ત હું એકલો જ ક્યાં છું ‘મરીઝ’,
મારી તકદીર પણ સજાગ નથી.

– મરીઝ

એવું કહી રહ્યાં છે – ભરત વિંઝુડા

હવા ખરેખર હવા નથી પણ પવન છે એવું કહી રહ્યાં છે,
હું શ્વાસ લઉં છું એ શ્વાસને સૌ જીવન છે એવું કહી રહ્યાં છે.

મને કવિતા ને વારતામાં કશી ખબર ના પડે પરંતુ,
કશુંક બોલું છું જો હું લયમાં કવન છે એવું કહી રહ્યાં છે.

ખબર ખુદાને કે ક્યાંથી આવ્યા ને અહીંથી પાછું જવાનું છે ક્યાં
જનમ થયો એ જગાને લોકો વતન છે એવું કહી રહ્યાં છે.

થઈ ગયેલો એ પ્રેમ વધતો ગયો ને એની નજીક પહોંચ્યો,
પછી હું ભેટી પડું છું ત્યારે બદન છે એવું કહી રહ્યાં છે.

કદીય કોલાહલો ભીતરના ન સંભળાયા અહીં કોઈને,
નગરની સ્થિતિ વિશે પૂછો તો અમન છે એવું કહી રહ્યાં છે.

– ભરત વિંઝુડા

આખ્ખો કિસ્સો કહેવો પડશે – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે
તારે આજે નહી તો કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

યાદ રાખજે, તેં ખાધાં છે સમ ગમતીલી મોસમનાં,
ખુશ્બૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

તારા ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

વાત ભલેને હોય વ્યથાની જીવતરના મેળામાં તો
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે

– ઉર્વીશ વસાવડા

છાંયડો આથી વધારે ક્યાંય પણ હોતો નથી – ખલીલ ધનતેજવી

રાતદિન સાંજે સવારે ક્યાંય પણ હોતો નથી,
કોઈ પ્હેરો તુલસીક્યારે ક્યાંય પણ હોતો નથી.

તારું સરનામું બધાને એટલે આપ્યું છે મેં,
તારા ફળિયાથી વધારે ક્યાંય પણ હોતો નથી.

એમણે બસ પાંપણો ઢાળીને હું ભાંગી પડ્યો,
એટલો આઘાત ભારે ક્યાંય પણ હોતો નથી.

આપની આ રેશમી ઘનઘોર જુલ્ફોની ઘટા,
છાંયડો આથી વધારે ક્યાંય પણ હોતો નથી.

તું ખલીલ આમ જ ગમે ત્યારે ગમે ત્યાં હોય છે,
જ્યારે હું શોધું છું ત્યારે ક્યાંય પણ હોતો નથી.

– ખલીલ ધનતેજવી

કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં – ભાવેશ ભટ્ટ

કૈંક વરસો ગયાં છે આ ડરમાં
કૈં નું કૈં થઈ જવાનું પળભરમાં

ભાંગશે કોઈનું તો ઘર ચોક્કસ
વાત જે થઈ રહી છે ઘરઘરમાં

મોંઘી પડશે મજાક રસ્તાને
ધૈર્ય જો ખૂટશે મુસાફરમાં

ગંધ માટે ય એટલો જ હશે!
હોય જે રસ હવાને અત્તરમાં

એક દીવાસળી રચાવે તો
કૈંક તણખા જશે સ્વયંવરમાં

જ્યારે સાબિત થવાની તક આવી
તો ધ્રુજારી થઈ દિલાવરમાં

– ભાવેશ ભટ્ટ

જિંદગી જૌહર કરી ચાલ્યા ગયા – ‘શયદા’

જિંદગી જૌહર કરી ચાલ્યા ગયા,
કાચને ગૌહર કરી ચાલ્યા ગયા.

સાંભળી ફરિયાદ પણ બોલ્યા નહીં,
કાળજું પથ્થર કરી ચાલ્યા ગયા.

બોલનારાને કર્યા પથ્થર અને-
બોલતા પથ્થર કરી ચાલ્યા ગયા.

વિશ્વ આખું નેહથી નાચે હજી,
નાચ તો નટવર કરી ચાલ્યા ગયા.

મેં કહ્યું કે ‘આશરે કોને રહું?’
આંખ એ ઉપર કરી ચાલ્યા ગયા.

આજ ‘શયદા’ પ્રાણ મેં આપી દીધો,
ખાતું એ સરભર કરી ચાલ્યા ગયા.

– હરજી લવજી દામાણી ‘શયદા’

દોસ્ત! સ્હેલું નથી – ચિનુ મોદી ‘ઈર્શાદ’

દોડતાં દોડતાં થોભવું; દોસ્ત! સ્હેલું નથી;
મત્સ્યને જળ થતાં રોકવું; દોસ્ત! સ્હેલું નથી.

ક્યાંક ફૂટી જશે, કોક લૂંટી જશે, એ બીકે,
મોતીને છીપમાં ગોંધવું; દોસ્ત! સ્હેલું નથી.

ભીંતમાં એક ખીલી હજી સાચવે છે છબી,
ઘર ફરી બાંધવા, તોડવું; દોસ્ત! સ્હેલું નથી.

મન કદી પુષ્પ માફક રહે હાથમાં? શક્ય છે?
ખુશ્બૂને વાઝમાં ગોઠવું; દોસ્ત! સ્હેલું નથી.

આ ઉમળકા મને તારશે-મારશે- શું થશે?
આ સમયમાં હ્રદય ખોલવું; દોસ્ત! સ્હેલું નથી.

આ વિચારો ભરેલા દિવસ વીતશે તો ખરા,
વ્હાણને પાણીથી જોખવું; દોસ્ત! સ્હેલું નથી.

પૂછ, તું પૂછ ‘ઈર્શાદ’ને કેટલું છે કઠણ?
ચિત્તને રોજ ફંફોસવું; દોસ્ત! સ્હેલું નથી.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’