કહું – હરીન્દ્ર દવે

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ – શૂન્ય પાલનપુરી

કાંટાના ડંખ સાથ છે ફૂલોનું ઝેર પણ
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ

તણખા છે સંસ્કૃતિના કળિઉગનો વાયરો
જંગલની જેમ ભડકે ભળે છે શહેર પણ

દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ

આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ

શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’, એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ

ઝંખના – જયંત પાઠક

ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.

ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં

પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું.

રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી

રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું !

તારે રે દરબાર! – ભાસ્કર વોરા

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

તારે રે દરબાર મેઘારાણા!
કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર?

વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;
વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!…તારે રે દરબાર!

સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!….તારે રે દરબાર!

એક ઉઝરડે – અમર પાલનપુરી

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે;
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે!

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે!

કહેશે કોણ ઝવેરી તમને?
ફેંકી દીધાં રત્ન ઉકરડે!

રાખ્યું નામ અમર એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે?