મને કહોને પરમેશ્વર કેવા હશે ? – પ્રીતમલાલ મજમુદાર

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
કેવા હશે ? શું કરતા હશે ?

– મને…

ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને
તારાને ગૂંથનાર કેવા હશે ?

– મને…

આંબાની ઊંચી ડાળીએ ચડીને
મોરોને મૂકનાર કેવા હશે ?

– મને…

મીઠા એ મોરોના સ્વાદ ચખાડી
કોયલ બોલાવનાર કેવા હશે ?

– મને…

ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી
ઘૂ ઘૂ ગજાવનાર કેવા હશે ?

– મને…

– પ્રીતમલાલ મજમુદાર

ગ્લૉબલ કવિતા: ૩૭ : પિતાજી ઘરે પાછા ફરતા (દિલીપ ચિત્રે) (અનુ. વિવેક મનહર ટેલર)

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળાઈ રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અણબનાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો હાસ્યો કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.
Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. ઓરડા. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. – ઘરની બનાવટમાં પહેલાં ઈંટોની સાથે આ બધા ભાગ ભજવતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર પણ એટલા જ બહોળા અને દિલ પણ એવી જ મોકળાશવાળા. જેમ-જેમ ઘર BHKથી બનવા માંડ્યા, તેમ-તેમ પરિવાર પણ નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ પણ એવા જ સાંકડા થવા માંડ્યા. સાંકડા દિલવાળા પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. આવા એક પરિવારમાં વિધુર, વૃદ્ધ છતાંય કદાચ કમાવા જનાર બાપનું સ્થાન આ કવિતામાં શબ્દોથી નહીં, આંસુઓથી ચિતરે છે દિલીપ ચિત્રે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં પરિવાર મુંબઈ આવી વસ્યો. એમના પિતા એક જમાનામાં આપણે ત્યાં જે સ્થાન કુમારનું હતું, એ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા હતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કાર જ હતું. ૧૬ વર્ષની ઉંમરે તો એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય બની રહેશે. ૨૨ વર્ષની ઉંમરે પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન કર્યા. એમનો એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો હતો. કવિ. લેખક. અનુવાદક. વિવેચક. સંપાદક. અચ્છા ચિત્રકાર, ફોટોગ્રાફર અને ફિલ્મનિર્માતા પણ. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને જ દેહવિલય.

સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર સર્જકોમાંના એક દ્વિભાષી સર્જક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાં પણ એમણે નોંધનીય પદાર્પણ કર્યું. તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા.

પચાસ અને સાઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ જંગલમાં દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે શરૂ કર્યો અને એમાં દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધિનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં આનો મુખ્ય ફાળો હતો. પોતાની દ્વિભાષીયતા માટે તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્’ ભારતના અમર સાહિત્યિક વારસાના તેઓ પ્રખંડ ચાહક-પ્રચારક હતા. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય એ સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર કોણ છે, મારો દોસ્તોએવસ્કી કોણ છે.’

સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદ-પ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું. આ રચના પણ એમાંની જ એક છે એટલે કાવ્યવિધા અછાંદસ છે. નાટકીય આત્મસંભાષણયુક્ત (dramatic monologue) આત્મકથનાત્મક શૈલી વાપરવામાં આવી છે. પિતાજીના ઘર તરફના પ્રયાણ અને ઘરની અંદરની પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકવા માટે કવિ કવિતાને ૧૨-૧૨ પંક્તિના બે ખંડમાં વહેંચે છે, એટલું જ. ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની આ એક અંગ્રેજી કવિતા છે. કાવ્યમાંના પિતા કવિના પિતા હોઈ શકે, પણ હોય જ એવું બિલકુલ જરૂરી નથી. હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતા res ipsa loquitar જેવી, એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ ન બોલીએ તો ચાલે. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે. કંઈક એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર અહીં આપણને બતાવે છે. મુંબઈ જેવા મહાનગરની આ વાત હશે એ સંદર્ભ ટ્રેન, પરાંઓના ઉલ્લેખ અને કવિના મુંબઈગરા હોવા પરથી સમજી શકાય છે. અપ-ડાઉન કરનારાઓની સાથે પિતાજી પણ ટ્રેનમાં ઘરે પરત ફરી રહ્યા છે. મોડી સાંજનો સંધિકાળનો સમય છે.

સંધિકાળ અહીં બેવડા સ્તરે પ્રયોજાયો છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ જ આવી ઊભા છે અને આંખોની જેમ જ નિસ્તેજ થતા જતા સંબંધોથી દુનિયાને દેખી-અણદેખી કરવા મથી રહ્યા છે. આ ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવવા કવિ કવિતામાં રસ્તામાં થોડાથોડા અંતરે માઇલસ્ટૉન્સ આવતા જાય એમ ઠેકઠેકાણે સંદર્ભો મૂકતા જાય છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, નિસ્તેજ આંખો, ભૂખરું પ્લેટફૉર્મ, ફિક્કી ચા, વાસી રોટલી, સ્ટેશન પકડાયા વિનાનો રેડિયો. આ દરેક માઇલસ્ટૉન પર પિતાની જિંદગીની ગમગીની આપણી વધુને વધુ નજીક આવતી જાય છે.

ટ્રેનની આ મુસાફરી રોજિંદી અને યંત્રવત્ છે કેમકે પિતાની આંખો સામેથી એક પછી એક પરાં પસાર થાય છે પણ આંખો ખુલ્લી હોવા છતાં કોઠે પડી ગયેલાં એ દૃશ્યો દેખાતાં નથી. શું હજી આ ઉંમરે પણ એ નોકરી કરતાં હશે? કવિએ આ પ્રશ્ન નથી ઊભો કર્યો, નથી જવાબ આપ્યો. પણ વરસાદના દિવસોમાં, ભીનાં કપડાં, કાદવથી ખરડાયેલો રેઇનકોટ પહેરીને ટ્રેનની મુસાફરી અને કાદવમાં ચાલીને ઘર તરફ સાંજે પરત ફરવાની કવાયત શું ઈંગિત કરે છે, કહો તો! આંખોનું તેજ ઉંમરના કારણે તો ઘટ્યું જ છે પણ ઘરમાં પોતાની હાલતથી વાકેફ હોવાથી નજર વધુ ધૂંધળી પડે છે.

‘મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!’

થેલો પડુ-પડુ થતી ચોપડીઓથી ઠાંસેલો છે. જિંદગીના થેલામાં પણ વરસોના અનુભવના પુસ્તકો ઠાંસી-ઠાંસીને ભરેલા છે અને પોતાની પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસના કારણે એ પણ જાણે પડુ-પડુ થઈ રહ્યા છે.

ખરી કવિતા તો પિતાનું ટ્રેનમાંથી ઉતરવું એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દ જેવું દેખાય છે એમાં છે. ટ્રેન તો તરત આગળ વધી જવાની, બીજા મુસાફરોને મંઝિલ પહોંચાડવા. પિતા પસાર થઈ જતી ટ્રેન સાથેનો સંદર્ભ ગુમાવી દીધો હોય એમ ભાસે છે. જિંદગીના વાક્યમાંથી પણ એ સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દની જેમ જ ખડી પડ્યા છે ને? ચપ્પલ પહેરીને કાદવમાં ચાલવું કપરું છે પણ એ ઘરે પહોંચવા ઝડપ કરે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘એ ઝડપ કરે છે’ કહીને કવિ પિતાની તત્પરતા નીચે અંડરલાઇન કરે છે.

પણ તત્પરતા શેની છે? ઘરે તો એ જ ફિક્કી ચા, વાસી રોટલી, અને અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ બાપને ઘરવટો આપી દેનારા સંતાનો જ વસે છે. જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતો શ્રવણ, રાજગાદીનો ત્યાગ કરી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. સામા પક્ષે માવતર આજેય કમાવતર થતું નથી. બાપ એ બાપ છે. ઘર તરફની ઝડપ એની દુર્દમ્ય પારિવારીક ભાવનાઓનું પ્રતીક છે.

ઘરમાં પણ એનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું જ છે એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. ગમે એટલી બાહ્ય કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું કપરું છે. પોતાના પૂર્વજોએ પણ આજરીતે પોતાની જાત છેવટ સુધી રેડી દઈને વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. સદીઓ પહેલા સાંકડા ખૈબર ઘાટમાં થઈને ભારતવર્ષ પર ચડી આવેલા આર્યોનો આ સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા ચિત્રમાં પ્રાણ ફૂંકી દે છે અને એક સીધુંસાદું શબ્દચિત્ર ઉત્તમ કાવ્ય બની રહે છે.

ગ્લૉબલ કવિતા : ૩૬ : હું – ચૈરિલ અનવર (અનુ. વિવેક મનહર ટેલર)

I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

હવે મારો અંત હાથવેંતમાં છે એવો પૂર્વાભાસ થાય એ વખતે માણસના મનમાં કેવા ભાવ જાગતા હશે? બધા કંઈ સહદેવ નથી હોતા પણ જીવનમાં ક્યારેક સહદેવની જેમ માણસને પોતાનું ભવિષ્ય નજરે ચડતું હોય છે. જે રસ્તે પોતે ચાલે છે એનો અંત ક્યાં છે એનો ખ્યાલ ઘણીવાર અંત આવતા પહેલાં જ આવી જાય છે અને નિશ્ચિત મૃત્યુનો અંદેશો થઈ આવે ત્યારે? પ્રસ્તુત કવિતામાં ઇન્ડોનેશિયાના કવિ ચૈરિલ અનવર અંત આગણે આવી ઊભો હોવાની પ્રતીતિ થાય એ વખતના સંવેદન લઈને આવ્યા છે.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. એને એ પણ અંદાજ આવી ગયો હતો કે એનો દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાના ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો જન્મ અને બે જ વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ કે ટી.બી.? અલ્લાહ જાણે! મૃત્યુ બાદ અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. રસીકરણના પૈસા માટે એણે ઊઠાંતરી કરી હોવાનું મનાય છે. પણ ઊઠાંતરીમાં પણ અનવરનો હાથ જાદુઈ ફેરફાર અને પરિણામ સાથે છવાઈ જતો. એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત છે. ટી.એસ. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

જીવતો હતો ત્યારે એની કવિતાઓ મોટાભાગના સામયિકોમાંથી સાભાર પરત થતી. વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં એની કવિતામાં ઊતરી આવે છે. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નવી પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા અને ઉદ્દામવાદી વિચારસરણી, બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યનો પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ જ હોવાની. પણ આ બધી જ મર્યાદાઓથી આગળ મૂળ ભાષા જાણતા જ ન હોય એ ભાવકોને જે-તે ભાષાના સાહિત્યકાર અને સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેનું અનુસર્જન સદા આવકારણીય રહ્યું છે.

જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી અને પછી એ ‘સેમાન્ગત’ (આત્મા) શીર્ષકથી પ્રગટ થઈ હતી. બદલાયેલું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે પ્રથમ શીર્ષક એની પ્રાણશક્તિ નિર્દેશે છે એમ ઇન્ડોનેશિયન સાહિત્યના વિવેચક નેતિ કહે છે. ૧૯૪૩નો સમય એટલે ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય. બીજું, આખી રચના ‘હું’ની છે અને ત્રીજું, ટોળામાંથી ખદેડી મૂકવામાં આવેલા માણસની છે. ત્રણેયમાં લય કે સુનિશ્ચિતતા શક્ય નથી એટલે જ કવિ કદાચ અનિયમિત પંક્તિલંબાઈ, અનિયમિત પંક્તિઓના અંતરાઓ અને અછાંદસ પદ્ધતિ પસંદ કરે છે.

બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતનો યક્ષપ્રશ્ન પણ એ જ હતો કે માણસ એ રીતે જીવે છે જાણે કદી મરવાનો જ ન હોય. પણ અહીં પોતાનો સમય નજીક આવી ગયો છે એ કવિ સમજી ચૂક્યો છે. રચનામાંથી પસાર થતી વખતે સમજી શકાય છે કે કવિ કયા સમયના આવવાની વાત કરે છે. આઝાદીની લડતના સમયે કવિતા લખાઈ છે અને કવિ પોતે ગરીલા સૈનિક તરીકે પણ લડી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સ્પષ્ટ થાય છે. આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે જ હોય એવું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ જ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કવિનો આ મિજાજ કવિતા ઉઘડતાવેંત જ સંભળાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. નાયક જેને સંબોધીને વાત કરી રહ્યો છે એનું રૂદન પણ એ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ એ જ કહે છે કે રડવું બિલકુલ જરૂરી નથી.

કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકપક્ષ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ ચૈરિલનો સ્વભાવ જ બંડખોર હતો. એ ટોળાંમાંનો એક કદી હતો જ નહીં. ઇન્ડોનેશિયાના સમાજ અને જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી જે છૂટો પડે એ કચડાઈ જ જાય, બહુ ઓછાં આગળ વધી શકે, અને ભાગ્યે જ કોઈ આ એકાકી અવસ્થામાં બચી જઈ શકે. અનવર બિલકુલ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાવું પોતાના માટે કેટલી ગૌણ બાબત છે એની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ આ શીર્ષકને બાદ કરતાં કવિતાની તેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. જીંથરીની ટીબી હોસ્પિટલમાં દાખલ રાવજીને નાની વયે ખાતરી થઈ ચૂકી હતી કે હવે મરણ ઢૂંકડુ છે. એ શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહે છે. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે. નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે.

બાણથી છેદાઈ ગયા પછી ભીષ્મ મૃત્યુની ઇચ્છા કરે છે પણ નાયક ગોળીથી છલની-છલની થઈ જવા છતાં અટકતો નથી. માત્ર ઘા જ નહીં, દર્દોને પણ ઊંચકીને એ આગળ જ વધતા રહેવાની નેમ ધરાવે છે. ઘા તનના હોય છે, દર્દ મનના. અને તન કરતાં મનને ઉપાડવું બહુધા વધુ દોહ્યલું હોય છે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી આવી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ ચીસમાં એટલી બધી વાસ્તવિકતા છે કે હજાર વર્ષ જીવી શકાય કે કેમ એ વાતની અતાર્કિકતા ગજવે ઘાલીને ભાવક પણ પૂરેપૂરો કવિના પક્ષે બેસી જઈને જાણે કે ‘તથાસ્તુ’ ન કહેતો હોય એમ કાવ્યાંતે હળવું સ્મિત હોઠે વસાવીને પોરસાય છે.

એક જગ્યાએ ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વ્યક્તિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં – કૃષ્ણ દવે


(Picture from: http://pricebaba.com/blog/may-die-thanks-smartphone)

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !
કો’ક વળી ડૂબે છે દરીયાના મોજામાં, કો’ક વળી ખાબકે છે ખાઈમાં.
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી વાંકો થઇ જુએ છે ખુદને પણ ડાળને તો મૂળ છે તે ઝૂકે
વળગીને વ્હાલ કરે નમણી બે વેલ એમાં ઝાડ એના ફોટા ના મૂકે.
કો’કને ખીણ આખી જોઈએ છે ક્લિકમાં તે લટકી પડે છે એની ટ્રાઇમાં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

કો’ક વળી પોતાનો ચહેરો જુએ છે ને એમાં રહે છે ગળાડૂબ
કો’ક વળી પોતાનો પડછાયો પક્કડવા કરતો રહે છે ઉડાઉડ
કો’ક વળી છાપાના હેડીંગમાં લપસે તો કો’ક વળી કેપિટલ “આઇ”માં
સેલ્ફીના ચક્કરની લ્હાયમાં ! ! !

– કૃષ્ણ દવે

ગ્લૉબલ કવિતા : ૩૫ : એક ગીત – ટી.એસ.એલિયટ (અનુ.: વિવેક મનહર ટેલર) A Song

If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

– T. S. Eliot 
એક ગીત
(અ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
માખી જેનું જીવન એક જ દિવસનું છે,
આપણા જેટલું જીવન એણે જીવી લીધું સહી.
પણ જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી તો જીવીએ,
પ્રીત ને જિંદગી જ્યાં સુધી આઝાદ રહી.
સંત કદી સહેમત એમાં નહિ થાય ભલે ને
કાળ તો કાળ જ છે અને એ નક્કી જશે વહી.

(અ-૨, બ-૨)
ફૂલ જે મેં આપ્યાં’તાં તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કંપી રહ્યું’તું વેલી ઉપર,
ગયાં વિલાઈ મધમાખ ઊડી આવે આગળ
કરવા માટે એમાંથી રસપાન મધુર,
સૂકાઈ ગયાં એનો શું કરવો શોક પળેપળ?
નવાં-નવાં નિત ચૂટવાં માટે બનો અધિર,
છો ને ખૂટી ગ્યાં હો કેમ ન પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

(બ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
આ સૂર્ય જેનો થાતો નથી ક્ષય કદીયે,
આપણા લોકોથી જરાયે મહાન નથી.
તો, શા માટે આપણે કદીય એવું પ્રાર્થીએ
કે પ્રેમ આપણો રહે જીવતો સદી-સદી?
પતંગિયુ જે આમ તો એક જ દિવસ જીવે છે,
એ આમ જુઓ તો જીવન જીવી રહ્યું શાશ્વતી.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણા મોટાભાગના સંબંધ આખી જિંદગી વિતાવી લેતા હોય છે. અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયના પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. આ કવિતા સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે. There is a time for all things કહેતો શેક્સપિઅર પણ ટી.એસ.એલિયટની આ કવિતામાં યાદ આવે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. (૨૬-૦૯-૧૮૮૮થી ૦૪-૦૧-૧૯૬૫) વીસમી સદીના દિગ્ગજ કવિઓમાંના સૌથી મોખરેના એક. જન્મ અમેરિકામાં પણ ૨૫ની ઉંમરથી ઇંગ્લેન્ડમાં અને ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો પણ સ્વીકાર. બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર પણ. શાળાશિક્ષક. બેંક ક્લર્ક અને પછી ફેબર એન્ડ ફેબરના સંપાદક અને ડિરેક્ટર. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. વીસમી સદીના સૌથી નોંધપાત્ર સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના ઉલ્લેખ વિના એલિયટનો પરિચય અધૂરો રહી જાય. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવું પડ્યું ને આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે ચૌદ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૭૭ વર્ષની ઉંમરે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા પણ લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે, પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર અને સુધારની. એલિયટના મતે કવિએ આસપાસ બોલાતી ભાષાને જ કવિતાની સામગ્રી તરીકે વાપરવી જોઈએ. એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું અને પહેલું પાસું છે કઠિનતા. કવિતામાં પ્રાસ અને પંક્તિની લંબાઈની અનિયમિતતા, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીની તાકાતને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ તો ગણાયા પણ અઘરા પણ એટલાજ બન્યા. ભલે એમના મતે અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ પણ એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગી લે છે. એલિયટની વિચારધારા, કલ્પનો, ભાષાની લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ એલિયટને હાથમાં લેતાં પહેલાં હોવો જરૂરી છે. પ્રખર બુદ્ધિમતા અને નખશિખ કારીગીરીના સમન્વયના કારણે એમની કવિતાઓ કોઈપણ પ્રકારના સુધારાના અવકાશ વિનાની સંપૂર્ણ લાગે છે. સત્તરમી સદીના જોન ડન જેવા મેટાફિઝિકલ કવિઓ અને ઓગણીસમી સદીના બોદલેર જેવા પ્રતીકવાદીઓ પરત્વેની આસ્થા, એઝરા પાઉન્ડની આધુનિકતા – આ બધું કાયાપલટ પામીને, રસાઈને એલિયટની કવિતામાં આવ્યું ત્યારે જે ફ્લેવર ઊભી થઈ એણે કવિતાની દુનિયામાં ક્રાંતિ સર્જી. ૧૯૩૦ સુધીમાં તો એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની રહી અને પછીના ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનાના બે સંસ્કરણ ઉપલબ્ધ છે: કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે આ કવિતા ૧૯૦૫માં ‘અ લિરિક’ શીર્ષકથી લખી હતી. (બ-૧, બ-૨) ૧૯૦૭માં આ જ કવિતા કોલેજના સામયિક માટે એમણે સુધારીને લખી ત્યારે એક ફકરો બદલી નાંખ્યો હતો (અ-૧, અ-૨), જે જોતાં સમજી શકાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી અ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો પરંતુ એલિયટની માતા, જે પોતે પણ કવયિત્રી હતાં, એમણે કહ્યું કે એમણે લખેલા કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી છે. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર સાફ નજરે ચડે છે. એલિયટે જાતે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

શરૂઆતની કવિતાઓમાંથી જ એલિયટની સમય અંગેની ફિલસૂફી છતી થાય છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી – આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. સોળ વર્ષની ઉંમરે લખાયેલી આ કવિતામાં પણ સમય અને શાશ્વતીના કોયડામાંનો રસ છતો થાય છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માને છે. એ કહે છે કે ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં એક શ્લોક છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (2;12)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આપણું અસ્તિત્વ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહે છે, વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય. જો કે આ કવિતામાં એલિયટ સમય અને અવકાશના અનસ્તિત્વ વિશે સાધુસંતોના પ્રવર્તમાન વિચારોથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું જ યશોગાન કરે છે.

ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે પણ ઘડિયાળ કાંડે બાંધીને આપણે એમ જ માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

‘મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ!’ (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર જોશી પણ કહી ગયા,

‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !’

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્ય કહી ગયા તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ એની ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થતું જાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે જો સંતોની વાત માની લઈએ કે સમય અને અવકાશ એ જ વસ્તુ હોય જે કદી હોય જ શકે નહીં, જો સમય અને અવકાશ માત્ર આભાસ હોય, ભ્રમણા હોય, તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ પણ આપણા જેટલું જ જીવે છે એમ કહી શકાય. બીજા પક્ષે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. એમ જ સમય વિનાના સ્થળે લાંબુ-ટૂંકુ, નાનું-મોટું – બધું સરખું જ છે. સમય આપણી જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો જ એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે?

સંતો ભલે સહમત નહીં થાય, કાળ તો બંધ પણ ન બાંધી શકાય એવી નદી છે, એ તો સતત વહેશે જ. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે? કબીર પણ એટલે જ કહે છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ આજ વાત ગંગાસતી કહી ગયા, ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ વીજળીનો લિસોટો પ્રકાશ આપતો હોય એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

ખરી કવિતા બીજા અંતરામાં છે. આપણને જ્યારે જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાતા, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ કંઈ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

નિતનવી તક ઝડપવા તૈયાર રહીએ અને નિતનવી તક ન પણ મળે તો જે પણ આપણી પાસે છે એને જ ચાહી-ચાહીને દિવ્યસુંદર કેમ ન બનાવી દઈએ? જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા કવિ આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન નંદનવન છે.