હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો! – અનિલ ચાવડા

એ જ કારણથી વધી ગઈ ‘તી અમારી લાય તો,
હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો!

શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

સાંકડી દીવાલમાંથી ગીત ફૂટી નીકળે પણ,
આ હવા પણ જો ફરી ધીમે રહીને વાય તો.

ને ચરણ આ છેક કૂવા પાસ જઈ ઊભાં રહ્યાં,
કોક જો એકાદ ટીંપું ક્યાંક પાણી પાય તો.

સાવ ટૂંકા છે બધા રસ્તા છતાં લાચાર છું,
શું કરું હું, ક્યાંય મારાથી જ ના પ્હોંચાય તો?

– અનિલ ચાવડા

બોલ સાજના જાઉં પિયરિયે? – મુકેશ જોષી

બાપુના અક્ષરની લ્હેરો, બોલ સાજના જાઉં પિયરિયે?
કાગળમાં છે માનો ચહેરો, બોલ સાજના જાઉં પિયરિયે?

મંદિરમાં મંજીરાં રણકે એમ રણકવા જાઉં?
પાંચીકાની ગમતી મોસમ ગળે લગાડી આવું.
આંબાડાળે ટીંગાડેલું ગીત ફરીથી ગાવું,
એક સખીની અડધી તાલી પાછી દેતી આવું,
થાક ઉતારે એવો ફેરો. બોલ સાજના જાઉં પિયરિયે?

ખાટામીઠા જન્મારાની વાત કરી દઉં માને
બાપુજીનાં ચશ્માને સંતાડું છાને છાને
સઘળાં સુખો સાથે પાછાં ચશ્માં શોધી આપું
એકલતાના દરિયામાં જઈ બાંધું નાનો ટાપુ
સુખનો રંગ બનાવું ઘેરો, બોલ સાજના જાઉં પિયરિયે ?

– મુકેશ જોષી

એક વણજારાનું ગીત – જયશ્રી વિનુ મર્ચન્ટ

ગાતો હતો એક વણજારો,
અદીઠ, અજાણી સીમ છે ક્યાં?
સૂકી ભોમકા યુગોયુગોથી,
આભની એ રિમઝિમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

લઈ જાઉં ક્યાં આ અજંપો,
વતનની મારી એ નીમ છે ક્યાં?
તડકો ભીંજાય, સૂકાય વાદળ,
ભીનાશ જગમાં અસીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

થાક છે તોયે નીંદ ન આવે,
તારાની આજે ટિમટિમ છે ક્યાં?
‘તારું-મારું’ની ઠાલી તકરાર,
જુદા અહીં રામ-રહીમ છે ક્યાં?
ગાતો હતો એક વણજારો…

– જયશ્રી વિનુ મર્ચન્ટ

એ પળ હજી ન ભાળી – વિનોદ જોષી

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

એ પળ હજી ન ભાળી,

હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,

ઊભી ધાર ન ફાવે એને હોય વ૨સવું ત્રાંસું,

ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,

પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;

ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોષી

[કાવ્ય સંગ્રહ – ખુલી પાંખે પિંજરમાં]

શાહીના ખડિયાઓ પિવડાવું – મુકેશ જોષી

શાહીના ખડિયાઓ પિવડાવું,
તોય તું આંસુના ખડિયાઓ તાકતી,

ઓ મારી પેન! જઈ વૈદ્યને બતાવ
તને આટલી તરસ કેમ લાગતી?

થાકી જવાય આમ આંખોનાં ખેત૨માં
તાજો વ૨સાદ રોજ વાવતાં,

મોસંબી જ્યૂસ મને ભાવે છે જેમ
તને એ રીતે ઝળઝળિયાં ભાવતાં.

છાતીના પાડોશી ખિસ્સામાં બેસીને
એક એક ધડકન તું ચાખતી.

દિલનાં કમાડ ભલે વાસીને રાખું
આ તારી તરસ કેમ વાસું.

માફક ના આવતું કોઈ બીજું જળ
તું માગે છે ઘરનું ચોમાસું.

કોઈ દિવસ તું મને એવું જગાડતી કે
જાણે આ કુંડલિની જાગતી.

– મુકેશ જોષી

मधुशाला – 3 डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 3

प्रियतम, तू मेरी हाला है, मैं तेरा प्यासा प्याला,
अपने को को मुझमें भरकर तू बनता है पीनेवाला;
मैं तुझको छक छलका करता, मस्त मुझे पी तू होता;
एक दूसरे को हम दोनों आज परस्पर मधुशाला।

डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 3

હું તારો તરસ્યો પ્યાલો ને પ્રીતમ તું મારી મદિરા,
તને ભરી દે તું મારામાં, થઈ જઈએ પીવાવાળા;
તુજને હું છલકાવી દેતો, મસ્ત મને પી તું થાતી
એકબીજા માટે હું ને તું આજ પરસ્પર મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

કોણ ઊભું હશે ? – યામિની વ્યાસ

ગાઢ અંધારમાં કોણ ઊભું હશે ?
એ નિરાકા૨માં કોણ ઊભું હશે !

તું જ દર્પણ અને તું જ ચહેરો અહીં
આર ને પારમાં કોણ ઊભું હશે ?

બાળપણનાં એ સ્વપ્નો ભુલાતાં નથી
સાવ સૂનકારમાં કોણ ઊભું હશે ?

બૂમ પાડ્યા કરે છે નિરંતર મને
મનના ભણકા૨માં કોણ ઊભું હશે ?

નાવ જાણે કે મળવા અધીરી થઈ
દૂર મઝધારમાં કોણ ઊભું હશે ?

આજ તો એમ લાગ્યું કે ‘આવો’ કહ્યું
બંધ એ દ્વારમાં કોણ ઉભું હશે?

– યામિની વ્યાસ

છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ – અનિલ ચાવડા

દૂર લગ દેખાય ખાલી સાવ રણ, પાણી નથી;
છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ, પાણી નથી.

લાગણીનો કાગડો નાખે હવે ક્યાં કાંકરા?
એમની ભીતર ઘડામાં સ્હેજ પણ પાણી નથી.

અન્યને ભીનાં કરી જગ છોડવું અઘરું પડે,
જિંદગી પાણી નથી કે આ મરણ પાણી નથી.

શક્ય છે કે દૃશ્ય વર્ષાનું રચાયું હોય, પણ;
આંખમાંથી જે ઝરે છે એ ઝરણ પાણી નથી.

સ્હેજ પાની ચૂમતાં છીપે તરસ, પણ તે છતાં;
ફક્ત તો પડશે જ, કારણ કે ચરણ પાણી નથી.

– અનિલ ચાવડા

એ સાક્ષાત્ હોય તો

ફૂલોની સાથે પત્રની સોગાત હોય તો !
એ કોઈના પ્રણયની કબૂલાત હોય તો !

કેમે કરીને આપવો ઉત્તર નકારમાં,
ફૂલો મઢેલી એની રજૂઆત હોય તો ?

કેમે નકારવી રહી રેશમ શી માંગણી ?
મીઠી મધુરી એની શરૂઆત હોય તો !

તીરછી નજરનાં તીર ને મારકણી એ અદા,
એકધારી પ્રિયતમની વસુલાત હોય તો !

પ્રત્યેક માંગ એની નકારી શકાય ના,
નયનોની ભીની ભીની વકીલાત હોય તો !

‘ગુલ’ : મારા મનની વાત કરું, એને સ્વપ્નમાં,
સ્વપ્નો મહીં સદેહે એ સાક્ષાત્ હોય તો.

– ‘ગુલ’ અંકલેશ્વરી

પળ મળે! – જયશ્રી વિનુ મર્ચન્ટ

ખુલ્લી પાંપણ પાછળ સંતાયેલી બસ અટકળ મળે;
કોશેટામાં બંધ ભલે પણ રેશમ, રેશમપળ મળે.

પરપોટાની અંદર જ છુપાયેલું લ્યો, એ નીકળે,
શોધો ક્યાં ક્યાં ને અંતે ક્યાંથી જો ગંગાજળ મળે,

અંધારામાં એક કિરણભર અજવાળું બસ, જોઈએ,
ત્યાં તો નભ છલકાવી દેતો પ્રકાશ જ ઝળહળ મળે.

સહુ પ્રશ્નોના ઉત્તર સાથે જ મળે ક્યાંથી જિંદગી?
કદીક પ્રશ્નો કદીક ઉત્તર અમથા સાવ સરળ મળે.

આથી જ અકારણની એની નફરત કરી મેં સદા સહન,
‘‘ભગ્ન’’ ખબર છે કોને, ભલાઈનું શું ને ક્યાં ફળ મળે.

જયશ્રી વિનુ મર્ચન્ટ