ફૂલદાની – ગની દહીંવાલા

ગનીચાચાને આજે એમના જન્મદિવસે ફરી એકવાર યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..! અને માણીએ એમની આ મઝાની ગઝલ, ભરતભાઇના સ્વર-સ્વરાંકન સાથે..!

સ્વર – સંગીત : ડૉ. ભરત પટેલ

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.

-ગની દહીંવાલા

(શબ્દો માટે આભાર – લયસ્તરો.કોમ)

6 replies on “ફૂલદાની – ગની દહીંવાલા”

  1. Just for your information:

    This song has been beautifully composed by Harish Umrao also. It has been included in the album dedicated to the one and only ‘Ghani Dahiwala’ – ‘Ghani Gunjan’ by Rashtriya Kala Kendra, Surat.

    There are many other beautifully composed songs in this album.

    Enjoy! 🙂

  2. સરસ ગીત. આભાર. સીરીષભાઈનો મનગમતી સાઈટ આપવા બદલ.

  3. બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
    કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.

    આવા કમાલના શેરના સર્જક કાંતો ગની દહીંવાલા હોય અને કાંતો મરિઝ..ગુજરાતનુ અહોભાગ્યકે આપણે આવા સર્જકો મળ્યા…

  4. કવિશ્રીને આદરપુર્વક સ્મરાંણજલી, અમે બને સુરતના વતની અને બાળપણમા એક જ વિસ્તારમા રહેલા, રોજ સ્કુલે જતા ત્યારે એમને જોવાનુ થતુ ગોપીપુરામા, ત્યારે એમની જબરજસ્ત પ્રતિભાનો ખ્યાલ નહી એનો આજે અફ્સોસ થાય છે, નગીનચંદ હોલ, ચોક્બઝાર, સુરતમા મુશાયરામા એમને સાંભળવાની પણ તક મળી છે એનો આનદ, આપનો આભાર………

Leave a Reply to vinay bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *