નજર કરું ત્યાં નારાયણ – પુષ્પા વ્યાસ

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.
જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.
મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!
– પુષ્પા વ્યાસ

દિવ્ય ભાસ્કર – હયાતિ ના હસ્તાક્ષર માં કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા આ રચના નો આસ્વાદ

********
ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે

પુષ્પા વ્યાસ નામ ભલે નવું હોય, પણ એમની કવિતા કોઈ નીવડેલા કવિની હોય એટલી બધી માતબર છે. એમના ગીતના ઉપાડ ભાવિક અને સ્વાભાવિક છે. વાંચતાની સાથે એ ઉપાડ એટલી હદે ગમી ગયા કે જો એ પંકિતઓ ટાંકવા બેસું તો કદાચ એનો પાર ન આવે. હું એમને કદીયે મળ્યો નથી, પણ આ કાવ્યસંગ્રહ વાંરયા પછી મળ્યો નથી એમ કહેવું એ પણ બરાબર નથી. એમની કવિતા દ્વારા પરોક્ષ રીતે જાણે કે એમનામાં વસેલા આંતર-કવયિત્રીને મળ્યા જેટલો જ આનંદ થાય છે.

એમની કવિતામાં કસબ છે, પણ એ જુદો તરી આવે એવો નથી. આ લક્ષણ એમની કવિતાનો ગુણ છે. કસબ જુદો તરી આવે એનો અર્થ એવો કે એ બાહ્ય છે. કવિતા સાથે જ જાણે કે કસબ વણાયેલો છે. એમના લોહીમાં લયનું નિરંતર ભ્રમણ થતું હોય એવું લાગે. મને વહેમ છે અથવા એમ કહું કે મને શ્રદ્ધા છે કે એમને કયાંક ને કયાંક કોઈ કોઈ વાર અથવા અવારનવાર આઘ્યાત્મિક સ્પર્શ થયો જ હશે. નહિતર ગીતના આવા સંધેડાઉતાર ઉપાડ મળી ન શકે. એ કોઈની પરંપરામાં પ્રવેશીને લખતાં નથી, પણ પોતાના ભાવજગતની પરંપરામાં રહીને લખે છે. એ અનુભવને અથવા અનુભવની તીવ્રતા-અનુભૂતિને પોતાના શ્વાસમાં લે છે અને પછી ઉરછ્વાસમાં કવિતારૂપે પ્રગટ કરે છે.

ભલું થજો આત્મીય મોરારિબાપુનું કે એમણે પુષ્પાબહેનને ભાવભર્યોઆગ્રહ કર્યો અને એને પરિણામે આપણને ‘નિંભાડો’ જેવો કાનમાં અને ઘ્યાનમાં વસી જાય એવો પ્રથમ કાવ્યસંગ્રહ તાજેતરમાં મળ્યો. ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ અને જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપનીની અનાયાસ યાદ આવે છે. કવયિત્રીના મનમાં એક ક્ષણે આવું કશું નહીં હોય. આ ગીત એવી પ્રતીતિ આપે છે કે એમણે લખ્યું નથી પણ એમનાથી સહજપણે, અનાયાસે લખાઈ ગયું છે. હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી એ પણ પંકિત ગુંજતી ગુંજતી કાન કને આવે. પણ અહીં તો નારાયણ, હરિ અને પુરુષોત્તમ-આ ત્રણે નામ ત્રિભુવન જેવાં અને આ નામના ઘરમાં જ ઠરવાની વાત છે. કવયિત્રી આપણા એક જમાનામાં જાણીતા કવિ ત્રિભુવન વ્યાસનાં પુત્રી છે. લોહીમાં વહેતો લય હાડકાંમાં કોતરાઈ ગયેલો છે. દરિયાનાં મોજાંની જેમ અથવા સાંજની હવાની લહેરની જેમ એક પછી એક પંકિત આવે છે. ભાષા પરથી કહી શકાય કે કવયિત્રી સૌરાષ્ટ્રનાં છે, નહિતર હૈયાદૂબળી હું મોઢે મોળી એવા શબ્દપ્રયોગ કયાંથી આવે? ઈશ્વરનું સ્મરણ એટલું તીવ્ર ને એટલું આત્મીય છે કે નાના મોટા ઘરનાં કામ કરતાં કરતાં પણ મંદિરનું વાતાવરણ રચાય છે અને ઝાલર સંભળાય છે. કામ કામની રીતે થાય અને નામસ્મરણ નામની રીતે થાય. કોઈ કોઈની આડે આવતું નથી.

ભવખેતરમાં નર્યા સમર્પણથી વાવેલી જાર મોતી થઈને મબલખ લહેરાય છે. આ સમર્પણ એકનિષ્ઠ ભકિતનું પરિણામ છે. જે કંઈ વાવ્યું છે એ જ્ઞાનથી નથી વાવ્યું અથવા સમજણથી પણ નથી વાવ્યું. અણસમજમાં કોઠાસૂઝે જે આવડયું તે કર્યું. આ વાત કવિતાના ક્ષેત્રે પણ સારચી છે. કવયિત્રીએ રીતસરનો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને પછી લખ્યું હોય એવું નથી. ખુદના ખડિયામાં કલમ બોળીને જે આવડે તે લખ્યું છે. અણસમજમાં કદાચ બાવળ કે બોરડી વવાઈ ગયાં હોય પણ ભકિતભાવ એવો કે જયાં જોઉ છું ત્યાં આંબા ને મંજરી જ દેખાય છે. લખતી વખતે કોઈ પોથી, પુસ્તક, શાસ્ત્ર કશું જ કામ નથી આવતું. જીવન જીવવામાં જ્ઞાન ઘણી વાર ઘમંડનું રૂપ લે છે અથવા બોજો બને છે પણ છઠ્ઠી ઈન્દ્રિય આપણને કોઈ અગિયારમી દિશા બતાવે છે. પ્રેમનો અઢી અક્ષર એ પરમેશ્વર થઈને રહી જાય છે. અહીં શ્રદ્ધાની બુલંદી છે અને આ બુલંદી કેવી કે આંગણે કદંબ, ઘટમાં યમુના અને પોતે વાંસળી. પ્રતીતિ એવી કે કૃષ્ણની ફૂંક વાગશે જ.

આ કવયિત્રીનું ‘જાપ નિરંતર’ નામનું એક બીજું ગીત જોઈએ:

ઘણા સમયથી ચપટી વરચે, પૂણી રાખી કાંતું છું.
તારની લંબાઈ પછી હું નિરાંતેથી માપું છું.
ફર ફર કરતો ફરે ફાળકો, અગણિત તારે બાંધું છું.
આવે તો હું હાર બનાવું, કેડે ખોસી રાખું છું.
ફળિયા વરચે કૂવો ગાળી, રેંટ મુકાવી રાખું છું.
ઘડા પછી તો ઘડો નીકળતો, જાપ નિરંતર રાખું છું.

11 replies on “નજર કરું ત્યાં નારાયણ – પુષ્પા વ્યાસ”

  1. જીવન એક પરપોટો…(ગુજરાતી ભજન)
    -મહેન્દ્ર ભટ્ટ

    ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ,
    જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો…(૨)
    માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ,
    રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો……
    સપનાની આ દુનિ યામાં તું રાત ગુમાવી દઈશ,
    સપનું જયારે તુટશે નિંદ્રાથી ,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો……..
    ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ,
    કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક પરપોટો …
    જીવન છે,મુસીબતો તો આવશે, વાત બીજાઓને ન કહીશ,
    હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે…….
    જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ
    વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે……
    જય શ્રી કૃષ્ણ
    , આ એક મારેી રચના ભજન તરિકે ખુબ ગમશે સ્વિકારિ આભાર કરશો-મહેન્દ્ર

  2. Excellent,superior, the best . Full of meaning. Creator is worth of praise by all readers of gujarati (read gujarari website)

  3. મન્ન ને શાન્તિ મલઇ.સાથે યાદ આવિ ગઈ કે પુશ્પા બેનના મોટાબેન લેીલાબેન શાલામા અમારાહ બેન હતા ને નાના બેન રશ્મિબેન કોલેજ મા મરાપ્રોફ્ફેસર હતા.હા, અમારા રાજ્કોતટ ના આ મારુ ગૌરાવ….
    આ બધા બેનોને મરા પ્રણામ.

  4. સુન્દર રચના છે. વાચીને હ્રુદય ભાવ વિભોર થૈ ગયુ. શબ્દોની સરળતા આલૉકીક છે. આ સાથે શ્રી સુરેશ દલાલનુ પ્રુથ્થકરણ પણ હ્રુદય સ્પ્રર્શિ છે. શ્રી ત્રિભુવન વ્યાસનો આત્મા
    દિકરીને આશીર્વાદ દેતો હશે!

  5. સુન્દર રચના છે. વાચીને હ્રુદય ભાવ વિભોર થૈ ગયુ. શબ્દોની સરળતા

  6. પુષ્પાબેન્ વ્યાસ નું આ કાવ્ય મીરાંની યાદ અપાવી ગયું.ખુદના અંતરના ખડીયામાં કલમ બોળીને જ્યારે કોઇ સર્જન થાય ત્યારે તે હ્રુદયને ખુબ સ્પર્શે.મારા મોટાભાઈ શ્રી સુર્યકાન્ત્ભાઈ આ વાત કાયમ કરે છે.કૂણી લાગણીના આંસુથી લખાએલ શબ્દો વાંચકના હ્રદયને બરાબર અસર કરેછે.
    આ ચાર પક્તિઓ ઉપર વારી જવાયું.

    પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
    ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

    આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
    પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!
    સુરેશભાઈનો રસાસ્વાદ હમેશની જેમ ખુબ આસ્વાદ્ય રહ્યો.
    બીજી રચનામા ફરીથી આ ચાર પંક્તિઓ ઉપર ઓવારી ગયો.

    ફર ફર કરતો ફરે ફાળકો, અગણિત તારે બાંધું છું.
    આવે તો હું હાર બનાવું, કેડે ખોસી રાખું છું.
    ફળિયા વરચે કૂવો ગાળી, રેંટ મુકાવી રાખું છું.
    ઘડા પછી તો ઘડો નીકળતો, જાપ નિરંતર રાખું છું.

    પુષ્પાબેન અભિનંદનના અધિકારી છે.

  7. ખરેખર હૃદયમાંથી નીકળતા શબ્દો કાગળ ઉપર લખાઈ જાય છે અને આપણને આવું અદભુત ભજન મળે છે. અને અદભુત છે એટલા માટે તો શ્રી સુરેશભાઈ આટલા બધા વારી ગયા છે. પુષ્પાબેનને અંતરના ધન્યવાદ.

  8. અદભુત છે આ ભજન. આધ્યાત્મિક અનુભવ વિના આવા ભજનનું અવતરણ ન થાય.
    કવિ શ્રી સુરેશ દલાલના આસ્વાદમાંથી જાણ્યું કે પુષ્પાબહેન ત્રિભુવન વ્યાસનાં સુપુત્રી છે. ત્રિભુવન વ્યાસે આપણા બાળસાહિત્યમાં ઘણાં શ્રેષ્ઠ બાળગીતો આપ્યાં છે. હું એમને મારા એક બાળગીત-ગુરુ ગણું છું.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  9. પ્રથમ વાર આ કવયિત્રીની કવિતા વાંચી. અંગ્રેજ કવિ Wordsworthની કવિતાની વ્યાખ્યા યાદ આવી ગઈ. ‘Poetry is spontaneous overflow of powerful emotions. સહજતા, લય, મધુરતા અને સૌથી વધુ તો સેીધા સાદા સરળ શબ્દોથી અધ્યાત્મિક પ્રેમની ઊંચાઈએ પહોંચવું આ કાવ્યની ખૂબીઓ છે. આ કવયિત્રીની અન્ય કવિતાઓ રજૂ કરવા વિનંતી.

Leave a Reply to Mahendra bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *