શબ્દો છે મારાં શ્વાસ – વિવેક મનહર ટેલર

શબ્દો છે મારા શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

6 replies on “શબ્દો છે મારાં શ્વાસ – વિવેક મનહર ટેલર”

  1. “બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
    વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.”

    સાચી વાત છે આંખો કદી ખોટું નથી બોલતી અને વણ બોલ્યે પણ સાચું કહી જતી હોય છે.
    સુંદર ગઝલ.

  2. સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
    લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

    – સરસ વાત ! મારી પણ આ પ્રિય ગઝલ છે !

Leave a Reply to Gaurav soni Cancel reply

Your email address will not be published. Required fields are marked *