તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના – મરીઝ

ocean.jpg

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

7 replies on “તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના – મરીઝ”

 1. ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
  સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

  -મરીઝની ગઝલોમાં ઘણીવાર મિર્ઝા ગાલિબની ઝલક દેખાતી રહે છે. આ શેર વાંચીને ગાલિબનો આ શેર યાદ આવી ગયો:

  ईश्क पर ज़ोर नहीं, है ये वो आतिश ‘गालिब’,
  कि लगाये न लगे और बुझाये न बने ।

  આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
  બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
  – આ શેર પણ યાદગાર શેરોમાંનો એક છે.

 2. Ravin says:

  આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
  હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

  – આટલી મોટી વાત સરળ રીતે રજૂ કરી છે.

 3. naresh says:

  સલામ મરીઝ સાહેબ!!!

 4. unknown says:

  આવી ગઝલો સંગીત અને સુર મા હોય તો મુકવા વિનંતી….રાહ જોઇશુ.

 5. Manish says:

  આવી ગઝલો જો સાભડ્વા મડૅ તો મજા પડિ જાય્

 6. thakorbhai patel canada says:

  ખુબ સરસ ગીત છે

 7. dipti says:

  ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
  સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

  સ-રસ વાત કહી..

  જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
  તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના?????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *