તને સમજાવું બોલ હવે કેમ! – જિગર જોષી ‘પ્રેમ’

તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ

હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં

હાથોમાં લજ્જાની મહેંદી મૂકી ‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ

તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ

18 replies on “તને સમજાવું બોલ હવે કેમ! – જિગર જોષી ‘પ્રેમ’”

  1. અઢી અક્ષરના ‘પ્રેમ’મા તરબોળ કરી મુક્યા !

  2. જિગરના ગઝલસંગ્રહ ‘તને મોડેથી સમજાશે’ના આવતીકાલે થનારા વિમોચન માટે શુભેચ્છાઓ…

    યાદ છે સાયલાનો પ્રવાસ, ‘પ્રેમ’?
    તારા પ્રથમ પુસ્તકના વિમોચન વખતે મેં તારી હથેળીમાં મારો ‘ખાલીપો’ મૂકેલો..
    તારી મૈત્રીથી તેં એને ક્યારે છલકાવી દીધો એની મને જાણ નથી;

    વડોદરા આવતો હતો ત્યારે રસ્તામાં સાયલા રોકાયેલો..
    મને જોઇને એણે પૂછેલું – પ્રેમ સાથે તો તારે ક્યારેય નથી બન્યું, તો પછી ‘પ્રેમ’ સાથે ઋણાનુબંધ કેમ બંધાયો?
    હું ફક્ત આટલું જ કહી શક્યો – તને મોડેથી સમજાશે…!!
    – ગ.મિ.

  3. very nice,
    its a good comaperision between beaty of nature and natural body.
    Can we have this in audio- version???
    Thanks
    Vinod Malani

  4. બન્ને હાથોથી આ કવિતાને વધાવું છું.શું કલ્પન છે !વાહ ભાઈ વાહ,,,
    કવિશ્રીને ધન્યવાદ.

  5. જિગર તો આવનારા સમય નો રોશન સિતારો છે..બસ જિગર તુ તારે જિગર થી લખે રાખ્….મધુ કાન્તને મારી યાદ, તારી ધણી કવિતાને મે પિયુષ પડયા તેમ જ ભાનુ કાકા પાસે મનથી બિરદાવી છે….તુ જે કઈ પણ લખે છે તે બધુ કાવ્ય મહિ હોય છે તેમા કો ઈ બે મત નથી…..

  6. હાથોમાં લજ્જાની મહેંદી મૂકી ‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
    તને સમજાવું બોલ હવે કેમ
    સરસ કલ્પના.. લાગે છેકે ડેમ પાણીથી નહિં પણ પ્રેમ થી છલકાયા છે…

  7. ૨૫ વર્ષનો યુવાન આવી સરસ ગુજરાતી વાપરી જાણે છે એ જોઈ આપણને ખુશી જ થાય. મઝાનો લય.

  8. પ્રેમ છે એ જતાવાની સ્-રસ સરળ રીત…..

    તને સમજાવું બોલ હવે કેમ ?
    હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ

    તને સમજાવું બોલ હવે કેમ?????

Leave a Reply to Ullas Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *