તળાવમાં – વંચિત ફુકમાવાલા

છોડી મને કૂદી પડયું, બચપણ તળાવમાં
ત્યાં દોડતું આવ્યું સ્મરણનું ધણ તળાવમાં

જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડયું હો, મોજનું આંધણ તળાવમાં

વાતાવરણમાં યોગના આસાન કરી કરી
સૂતા શવાસનમાં બધાં રજકણ તળાવમાં

આઠે પ્રહરમાં લ્યો હવે, ઊજવાય ઉત્સવો
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં

અર્ધા ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં

હૈયાવરાળ ઠારવા પનિહારીઓ બધી
ભેગી મળી લૂછયા કરે પાંપણ તળાવમાં

શુદ્ધીકરણ દિન રાત એ જળનું કર્યા કરે
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં

વરસાદના એ ભાંભરા જળ બૂમ પાડતા
છોડી મને કૂદી પડયું બચપણ તળાવમાં

-વંચિત ફુકમાવાલા

કવિ શ્રી સુરેશ દલાલે ‘હયાતીના હસ્તાક્ષર’ (દિવ્ય ભાસ્કર)માં કરાવેલો આ ગઝલનો આસ્વાદ:

શૈશવની સુગંધની ગઝલ

વંચિત ફુકમાવાલા ભુજમાં રહે છે. બનતા લગી નગરપાલિકામાં પાણી ખાતાના ઓફિસર છે. પાણી સાથે સંકળાયેલો માણસ તળાવ વિષે લખે એ સ્વાભાવિક છે. કયારેક ભુજ જાઉ ત્યારે એમને મળવાનું થાય. ઓછાબોલો અને ઓછાલખો માણસ છે. આપણે ત્યાં હમણાં હમણાં ગઝલનો રાફડો ફાટયો છે. એક જમાનામાં એવું કહેવાતું કે સોનેટ ન લખે તે કવિ ન કહેવાય. ઝવેરચંદ મેઘાણી એમાં અપવાદ રહ્યા. ગઝલ કે ગીત કોઈ પણ સ્વરૂપે કાવ્ય આવે તો કોઈને વાંધો ન હોય પણ ગઝલનું પૂર આવ્યું છે, ગઝલનું ગુલાબ મુશાયરાઓની તાળીમાં ભીંસાઈ જતું હોય છે. કાવ્યની અંદર અકાવ્ય એટલી સહેલાઈથી પેસી જાય છે કે કાંકરામાંથી ઘઉ વીણવા જેવી વાત છે.

તળાવની વાત આવે એટલે રાજેન્દ્ર શાહની એક પંકિત અચૂક યાદ આવે. ‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત, પ્રજ્ઞ.’ વંચિતની આ ગઝલ જુદા મિજાજની છે. એની યુકિત સંવેદનથી રસાયેલી છે. ભલે ઓછું લખે પણ કરાયેલી કલમનો કસબ જોવા જેવો છે. રશિયન કવિ યેવટુ શેન્કોએ જંકશન નામનું એક કાવ્ય લખ્યું. એમાં કાવ્યનાયકને કૂવામાં પોતાના શૈશવની સુગંધ આવે છે. વંચિતનું સમગ્ર બાળપણ જાણે કે તળાવમાં કૂદી પડયું છે. જે વસ્તુ જાય છે એ દેખીતી રીતે જાય છે પણ સ્મરણરૂપે તો રહે જ છે. કવિએ સ્મરણને ધણ સાથે સરખાવ્યું છે. બચપણનું કૂદી પડવું અને સ્મરણના ધણનું દોડતું આવવું આ બે ક્રિયાની વરચે કાવ્યની પ્રક્રિયા છે.

મોજાંના આંધણની વાત પણ ગમે એવી છે. પાણીની થપથપાટમાં જળના સ્પર્શનો અનુભવ થાય છે. કવિ કયાંથી કયાં પહોંચી જાય છે. એમાં છલાંગ છે પણ કૂદાકૂદ નથી. શવાસનમાં પડેલા રજકણો જાણે યોગના આસન કરી રહ્યા હોય એવું લાગે છે. આ કવિની મૌલિકતા સ્પર્શે એવી છે. આઠે પ્રહર ઉત્સવ હોય ત્યારે જળ જાણે કે રંગીન વસ્ત્રો ધારણ કરે છે. સમગ્ર ગઝલમાં એક શેર તો નજર લાગે એવો છે. એ શેર જ ટાંકવો પડે.

‘અર્ધી ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો/લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.’

આપણા ભાષણખોર વકતાઓ મંચ મળ્યો નથી કે તૂટી પડયા નથી. ગઝલની ખૂબી એ છે કે એનો કેમેરા તળાવને કેન્દ્રમાં રાખીને આસપાસના અનેક પદાર્થોપર પડે છે. કયારેક પાત્રો પર પણ પડે છે. તળાવ હોય અને પનિહારીઓ ન હોય એ તો કેમ બને? પનિહારીઓ હોય અને પાંપણમાં પાણી વધારે છે કે તળાવમાં પાણી વધારે છે એની સમસ્યા હજી એકવીસમીમાં સદીમાં પણ પૂરેપૂરી ઉકેલાઈ નથી. જળ જળને ધોતાં હોય છે. પ્રદૂષણથી દૂર થતાં હોય છે. કદાચ ગામલોકમાં જેટલી સમજણ નથી એટલી જળતત્ત્વમાં છે. જળનું કામ જ સ્વરછ અને શુદ્ધ કરવાનું. વરસાદના ભાંભરાં જળ બૂમ પાડે છે એ કવિના કાન સિવાય અન્ય કોઈને સંભળાય એવું નથી.

એક શહેરમાં શુદ્ધીકરણની વાત આવે છે ત્યારે રામનારાયણ પાઠકની ચાર પંકિત યાદ આવે છે :

ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!
જે સર્વત: સ્પર્શ કરે મનુષ્યને!
રમાય, પીવાય, ન્હવાય, જેમાં.

કવિની આ ગઝલની સાથે એક જળનું ગીત પણ જોઈએ:

લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીયે!
કંપ્યું જળનું રેશમપોત
કિરણ તો ઝૂકયું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીઓ!
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ!

10 replies on “તળાવમાં – વંચિત ફુકમાવાલા”

  1. ક્યારેક વધુ પદ્તો અતિરેક થતો હોય એમ લાગે ચે. અશ્વિન શહ

  2. તળાવમા છબછબિયા કરવાની મઝા આવી ગઈ.
    સુ. દ. નુ વિવરણ પણ સુંદર.

  3. વંચિત ફુકમાવાલા ની ખુબજ સુન્દર રચના ..
    કવિ શ્રિ સુરેશ દલાલની (લીલ લપાઈ બેઠી જળને તળિયે) અમર ભટ્ટ ની સ્વરરચના અને સૌનિક સુથાર ના અવાજ સાથે શબ્દનો સ્વરાભિષેક આલ્બમમા છે જે ટહુકા ઉપર મુકવા વિનંતી.

  4. Kadach vanchi na hot to hun Gam na talav ne kanthade panihario pani bharava ke kapada dhova aave chhe te samjan saathe Aaykhu jivi jaat ane Panihaario to aansu luchhva aave chhe a hakikat a sacha bhav thi vanchit rahijaat,aabhar Vanchit Kukmavala

  5. ખુબ મઝા પડી ગઈ.પનિહારી શબ્દ ઘણા વખ્તે સાંભળયો.

  6. નવા કવિઓને પોતાની કવિતા , ગઝલ પ્રકાશ મા લાવવા મળે એ ખુબજ આનન્દ ની વાત .આપને ખુબ ખુબ અભિનદન.

  7. નવા જ ગઝલકારને અમારા સુધી લઈ આવવા બદલ આભાર………..

  8. પ્રમાણમા અજાણ્યા કવિને શોધી લાવવા બદલ અભિનંદન્,

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *