અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

————

વિવેક ટેલરના શબ્દોમાં આ ગઝલનો આસ્વાદ :

અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.

મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.

મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…

હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?

10 replies on “અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા”

  1. ચોથા શેરમાં “ઘણા જતા ” શબ્દમાં થોડી શંકા છે. જોઇ લેવા વિનંતી.

  2. બહુજ સરસ ગઝલ. The Gujarati gazal owes a lot to Manoj Khandheria for its present proud status.We really miss him and his wonderful gazals which we would have been able to enjoy ,had he been with us on this beautiful planet which he loved so much.

  3. આ કવિતાવાચિ પ્રક્રુતિનિ પાસે જૈ અમથા અમથા ખુશ થવાય.

  4. સરસ રચના અને સાથે વિવેક્ભાઈના શબ્દોમા આસ્વાદ વિષેશ આનંદ આપી જાય છે, આભાર…..

  5. મનોજ ખંડેરિયાના ઋજુ સ્વભાવ જેવી જ લવચીક ગઝલ. અકારણ ખૂશીની નજાકત. કોઈ સમર્થ સંગીતકાર દ્વારા સ્વરબદ્ધ થયેલી આ રચના સાંભળવા મળે તો સોનામાં સુગંધ ભળે.

  6. Very nice poem!! Appropriate for summer in US – just one thing we lack here…”garmalo”
    Thank you very much Jayshreeben & Vivekbhai.

  7. આતો અમદાવાદ શહેરની વાત લખી. કુંડામાં ખીલેલા છોડને જોઇને વસંત માણીને અમથા અમથા ખુશ થઇએ છે.

Leave a Reply to Trupti Cancel reply

Your email address will not be published. Required fields are marked *