ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં – મરીઝ

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

મુકામ એવો પણ આવે છે કોઇ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.

નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.

અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઇ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.

અહીં બે ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં.

જરા થોડું વિચારે કે તરત એમા ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં.

જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં.

પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.

પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.

‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઇ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.

6 replies on “ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં – મરીઝ”

 1. I did not have a chance to read the poems by mariz and other poets during the 45 years in the USA. However, Your website has given me this valuable gift. I am impressed that how much wealth is hidden in Gujarati literature! I liked the four lines immensely in Mariz poem that you displayed,

  જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
  શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

  કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
  હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં.

  Thank you so much,

  Dinesh O. Shah, Ph.D.

 2. Bhavesh Bhakta says:

  yes, defiantly it’s wonder full feeling in monsoon season, like we had a good rainy day here in mumbai too and i took ride on my bike in “Rimm..Zimmmm..rim..zimmm varsad..”

  thank you.

 3. ખુબ જ મજાની ગઝલ… 🙂
  દરેક શેર ઉમદા…

  આભાર જયશ્રીબેન share કરવા માટે..

 4. Gira says:

  જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
  શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

  સાચી વાત…

 5. Pushpendraray Mehta says:

  મહત્વના બનાવો બે ચાર હોય ચ્હે કિસ્મત મા………..સુન્દર વિચાર….
  સલામ મરિઝ ને…….

 6. Benam Paalanpuri says:

  હુ હમેશા થી મરીઝ સાહેબ ની ગઝલ નો ચાહક રહ્યો છુ. મરીઝ સાહેબ ની ગઝલ ખુબ જ સરસ લાગી.
  ગુજરાતી સાહીત્ય ની આવી અનમોલ ભેટ લોકો સમક્ષ ધરવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *