મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં. – ‘ગની’ દહીંવાલા

peacock12

મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં.

ઘેનની ઘૂંટી પાઇ, રોમ રોમ આ રતમાં
રાખી શકાય મરજાદમાં ?
… મોરલાને

મીઠેરા ગહેકારે મોભથી સરી આવ્યાં
સેંકડો ગરોળીના ગલ,
વિરહાકુલ હૈયાની ક્યારીમાં રેલાયાં
વખડે વલોવાયાં જલ.
કેટલાય હાયકાર બાઝ્યાનો અંદેશો
છૂટા પડેલ એક સાદમાં
… મોરલાને

વાડામાં શ્રાવણનાં ઝરમરિયાં ઝૂલે,
ને આંગણે અષાઢની હેલી,
ભૂંડા ભાદરવા, તું જોવા ન પામશે,
ગારાની ભીંત આ ઊભેલી.
વનના ને મનના મોરલિયાનું સહિયારું
સાવ રે સુંવાળા અપરાધમાં
… મોરલાને

આખા તે ઘરની એકલતાને લીધો છે
ભીનાશે કારમો ભરડો,
કાને અથડાઇ કૂંણી કાંટાળી ડાળ
પડ્યો હૈયામાં ફૂલ-શો ઉઝરડો.
આખાયે માળાને મ્હેકતો કરી મેલ્યો
પંખીએ પંખીની યાદમાં
… મોરલાને

3 replies on “મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં. – ‘ગની’ દહીંવાલા”

  1. સુંદર ગીત… ગરોળીનો કાવ્યમાં પ્રયોગ કેટલા કવિઓ કરી શક્યા હશે અને એય આટલું બખૂબી?

  2. રાખી શકાય મરજાદમાં ? — બિલકુલ નહીં.

    ” મીઠેરા ગહેકારે મોભથી સરી આવ્યાં
    સેંકડો ગરોળીના ગલ”

    આવી કડી તો ગની ચચા જેવા સમર્થ કવિ જ લાવી શકે!

    સુંદર કાવ્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *