કવિતા – મીનાક્ષી પંડિત

સ્કૂલમાંથી મારાં દીકરા-દીકરી આવીને
જે રીતે પોતાનાં દફ્તરો ફંગોળે છે
એ જોઇને હું દંગ રહી જાઉં છું.

દફ્તરોનો બોજ લાદતાં, ઘરે આવી
લુશલુશ નાસ્તો કરી બેસી જાય છે
હોમવર્ક કરવા માટે.

હું પરાણે એમને બહાર રમવા જવાનું
કહું છું તો તેઓ મારા પર વરસી પડે છે :
‘અમારું લેસન પૂરું કરી લેવા દો,
નહીં તો અમને અમારી સિરિયલ જોવા નહીં મળે.

આજે તો હું રૂરૂશ્ જોવાનો છું.
ના, મારે તો કાટૂર્ન નેટવર્ક જોવું છે.’

બંને બાળકો પોતપોતાની મનપસંદ
ટીવી સિરિયલો જોવાની લમણાંઝીકમાં પડી જાય છે:

હું એમને બહાર જઇ આંધળોપાટો, પકડદાવ,
કબ્બડી, ગિલ્લીદંડો કે દોરડા કૂદવા કહું છું તો
એમના ચહેરા પર મસમોટું પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળે છે

મમ્મી આ બધું શું બકી રહી છે ?
આવી તો કોઇ રમત રમાતી હશે ?

ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોના
મનનો કબજો કર્યો છે.

લાગે છે આપણે આપણી જૂની રમતોનું
એક પુસ્તક છપાવવું પડશે અથવા
એની સીડી તૈયાર કરાવવી પડશે !

બાળકો કદાચ કોમ્પ્યૂટર સામે બેસી
રમતો શીખી તો શકે !!!

—મીનાક્ષી પંડિત

દિવ્યભાસ્કરમાં કવિ સુરેશ દલાલે કરાવેલો આ કવિતાનો આસ્વાદ :

હવેની પેઢીને જોઇને ક્યારેક એમ લાગે છે કે માત્ર બે-પાંચ વર્ષમાં જ જમાનો બદલાતો રહે છે. ઘરમાં બે બાળકો હોય અને બંને વચ્ચે પાંચ-દશ વર્ષનું પણ અંતર હોય તો એમ લાગે કે ઘરમાં એકી સાથે બે પેઢી ઊછરી રહી છે, બધું જ ઝડપથી બદલાય છે જાણે કે ઝડપથી નાશ થવા માટે જ.

એક જ ઘરમાં માણસો વચ્ચે અનેક અંતરો અને અનેક અંતરાયો છે. કોઇને દોષ દેવાથી કશું વળે એમ નથી. અહીં કશું નિર્દોષ નથી. તમામ શાળાઓ બંધ કરી નાખવાનું મન થાય એવી શિક્ષણપદ્ધતિ થઇ ગઇ છે. સ્કૂલમાંથી સંતાનો પાછાં વળે છે, હાશ છૂટ્યા ! એવા મનોભાવ સાથે. જે રીતે દફ્તરોને ફંગોળે છે એ વર્તન પરથી પણ ખ્યાલ આવે. કવયિત્રીએ વર્તન દ્વારા ભાષાને પ્રયોજી છે અથવા એમ કહો કે આ વર્તન પોતે જ એક ભાષા છે. નાયિકા દંગ થઇ જાય છે. વિદ્યાર્થીઓ મજૂર હોય એમ બોજો ઊંચકીને આવે છે. નાનપણથી જ જાણે કે એ કાળના કોળિયા થઇ ગયા છે.

નિરાંત જેવું કશું નથી કે કશું નથી મિરાત જેવું. કોઇને સમય જ ક્યાં છે. બધા જ સભાનપણે સમયપત્રકના ગુલામ થઇ ગયા છે. નાસ્તો કરે છે. માણતા નથી. મોઢામાં કોળિયો મૂકે છે પણ મનમાં વિચાર હોમવર્કનો છે. બધા જ વિભાજિત રીતે જીવે છે. એક જાપાનીસ હાઇકુ યાદ આવે છે.

વાત સીધી સાદી છે. ભૂખ લાગે તો ખાવ અને ઊંઘ આવે તો સૂઓ. આ સાદી વાતમાં ગહન સત્ય છે. ખાતી વખતે બીજો કોઇ જ વિચાર નહીં. વિકેન્દ્રિત કે એવું કોઇ સત્ય નહીં. દીકરા-દીકરીઓ દફ્તરને ફંગોળી શક્યાં, થોડીક ક્ષણ માટે, પણ એક ન દેખાતો બોજો હોમવર્કનો તો છે જ. સ્કૂલ છોડીને આવ્યાં એટલું જ પણ સાથે સાથે પડછાયાની જેમ સ્કૂલ પાછળ ને પાછળ આવવા માંડી.

એક જમાનો એવો હતો કે રમતધેલા છોકરાઓને કહેવું પડતું કે લેશન કરો. આજે હવે છોકરાઓ જ માબાપને કહે છે કે રમવું નથી, લેશન પૂરું કરી લેવા દો. અહીં પતાવી નાખવાની વાત છે. આટોપી દેવાની વાત છે. જીવ સિરિયલમાં છે. ક્યાંય કોઇ પણ બાબતમાં એકાગ્રતાનું નામોનિશાન નથી.

સિરિયલ સક્રિય આનંદ ન આપે, પણ નિષ્ક્રિય આનંદ આપે. આપણે કુસ્તીના ખેલ જોઇએ અને રાજી થઇએ કે આપણે જ કુસ્તી કરીએ છીએ. આપણે આપણું જીવન જીવતા નથી અને બીજાનું જીવન જીવવાનો ખેલ કરીએ છીએ. ઇશ્વરે આપણને માણસ તરીકે મોકલ્યા પણ આપણે કાટૂર્ન થઇ ગયાં.

કાટૂર્ન જોઇજોઇને સમયને આપણે બરબાદ કરીએ છીએ. કોઇ રમે અને આપણે રમતનો આનંદ લઇએ. આ આનંદ પણ ઉછીનો.

નવી રમતો આવી. જૂની રમતો વિસરાઇ ગઇ. વચ્ચેનાં વરસો કયાં વહી ગયાં કોને ખબર ? આંધળોપાટો, પકડદાવ આ બધી આપણી જ કહેવાય એવી અસલ રમતો કાળના કબ્રસ્તાનમાં દટાઇ ગઇ. મમ્મીની વાતો બાળકોને લવારો કે સનેપાત લાગે. મમ્મીના શબ્દો બકવાસ લાગે.

બાળકો પાસે પ્રશ્નાર્થચિહ્ન છે અને મમ્મી પાસે આઘાતચિહ્ન. ‘ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોનાં મનનો કબજો કર્યો છે.’ – આવી બોલકી પંકિત કવયિત્રી ટાળી શક્યાં હોત. કાવ્યનો અંત કટાક્ષથી થાય છે. એક જમાનાની રમતો હવે ઇતિહાસ થઇ ગઇ છે. એને જાળવવી હોય તો રમીને જળવાશે નહીં.

એને પુસ્તકોના મોર્ગમાં રાખવી પડશે. સાચવવી પડશે એને સી.ડી.ના સ્વર્ગમાં. કદાચ બાળકો કોમ્પ્યૂટર પર આ બધી રમતો જુએ અને જીવે અને કદાચ વિસરાઇ ગયેલી આ રમતો માત્ર સ્મૃતિ ન રહે પણ જીવંત બને. જોકે આવી મૃગજળિયા આશા પર જીવવું એ પણ આત્મવંચના જેવું લાગે.

મીનાક્ષી પંડિત સામાન્ય રીતે અછાંદાસ કાવ્યો લખે છે. એમનાં કાવ્યોમાં અંગત સંવેદનો અને સામાજિક સંવેદનો ઝંકૃત થતાં હોય છે.
આ સંદર્ભમાં કૃષ્ણ દવેનું આ ગીત ગૂંજીને ગાજવા જેવું છે.

.

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

12 replies on “કવિતા – મીનાક્ષી પંડિત”

  1. મીનાક્ષીબહેન,
    આપના આ કાવ્યની સાથે હું પુરેપુરી સહમત છું. પરંતુ અહીં હું એટલું જરૂર કહી શકું કે આપણા બાળકોને આપણે જ ટ્રીટ કરીએ છીએ એટલે કે આપણને જ જો ટીવી જોયા વગર ન ચાલતું હોય તો આપણા બાળકોને આપણે રોકી ન શકીએ. માટે પહેલા આપણે જ ઘરમાં એવું વાતાવરણ ઉભુ કરવું જોઈએ કે બાળકો ટીવી જોવા માટે પ્રેરાય જ નહીં. અમારા બંને બાળકો ઉત્તમ પરીણામ સાથે ખૂબ જ સરસ અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ ખૂબ જ સારી રીતે શેરીમાં બાળકો સાથે શેરીની રમત રમે છે, અભ્યાસ પણ કરે છે અને મમ્મી પપ્પા સાથે ખુબ સારી રીતે સંવાદ અને વાર્તાલાપ પણ કરે છે. સાથે સાથે ઇત્તર પ્રવૃત્તિઓ પણ કરે છે અને તેમાં ઉત્તમ પરિણામ પણ લાવે છે. તેથી હું એટલું જ કહીશ કે બાળકો તો કાચી માટીના ઘડા છે. આપણે જ તેને ટીપી ટીપીને (તેને પુરતો સમય આપીને અને સમજીને) ઘડવા જોઈએ. માટે આપણે ઉત્તમ માતા- પિતા બનીશું તો જ આપણાં બાળકો ઉત્તમ બાળક બની શકશે.

  2. શારિરિક ક્શરત નહિ,પોશ્તિક ખોરાક નહિ,હરિફાઇ,એકલતા,જિવન કઇ દિશામા!
    જુના જમાનામા માબાપ ને ખબર પન નહોતિ પદતિ કે બાદકો શામા ભને ચ્હે

  3. બન્ને ગીતો સુંદર
    આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
    પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે
    ગાયકી મધુર

  4. રમત શિખવવિ મા બાપ નિ પણ ફરજ ચ્હે થોડો સમય બાલક માટે કાઢો વાન્ક આપ્ણો પેહલા, બિજાનો પચ્હિ

  5. સાચેજ એવું લાગે છે કે બાળકો નું બાળપણ છીનવાઈ ગયું છે. જૂની રમતો તો ભુલાઈ જ ગઈ છે. આમાં થોડો દોષ માં-બાપ નો પણ ખરો કે એમને બાળકો ને રેસ માં ઉભા કરી દીધા.

  6. ફરીથી નાના બાળક બની જવાનું મન થાય તેવું મજેદાર અને ભોળપણથી ભરપૂર કાવ્ય. સાથે સાથે ફીલ્મ ખૂબસૂરતનું ‘સારે નિયમ તોડ દો, નિયમપે ચલના છોડ દો’ ગીતની પણ યાદ આવી ગઈ.

  7. આજનુંણ શિક્ષણ જેટલું ભાર વગરનું બનાવાની વાત કરવામા આવે છે, તેટલો જ તેનો ભાર વધતો જાય છે. માતાપિતા કશું જ સમજ્યા વગર બાળકને દેખાદેખીમાં એવી શાળામાં દાખલ કરી દે છે, જે દેખાવમાં અને નખરામાં સારી હોય પણ શિક્ષણમાં શૂન્ય. નાના-નાના બાળકોને અઘરાં વિષય પર પ્રોજેક્ટ વનાવી લઇ જવાના હોય છે. પણ એ પ્રોજેક્ટ કેમ બનાવવો તેનું માર્ગદર્શન શિક્ષકો આપતાં નથી. શિક્ષકોને પણ શિક્ષકો કેમ કહેવાય? આજના વિદ્યાસહાયકો ઓછા પગારમાં નોકરી કરે છે, આથી તેઓ બાળકને યોગ્ય શિક્ષણ આપવાને બદલે ટ્યુશનની આવક મેળવી ઘર ચલાવવાની ચિંતા વધુ કરે છે.રમત ગમતતો ભુલાઇ જ ગઇ છે. કૉમ્પ્યુટર પર આખો દિવસ ક્રિકેટ રમતો બાળક મેદાનમાં અડધો કલાક રમવા જવાં પણ તૈયાર નથી.(જો કે હવે મેદાન પણ ક્યાં મળે છે?) અને આ વાત પર માતાપિતા પોરસાય છે કે અમારો બેટો કોમ્પ્યુટર જાણે છે. આવા માતાપિતાને તો શું સજા કરવી સમજાતી નથી.

    આજે સારામાં સારી શાળામાં અભ્યાસ કર્યો હોવા છતાં બાળક સામાન્ય જ્ઞાન ઘરાવતો નથી. મુશ્કેલીમાં કોઇ શીઘ્ર નિર્ણય લેવાનો હોય તો તે મુંઝાઇ જાય છે. મને તો આજની શાળાઓ શિક્ષિત નાગરીકોને બદલે સુટબૂટ પહેરેલાં માનસિક રીતે વિકલાંગ આધુનિક મજુરોનું જ નિર્માણ કરે છે તેમ લાગે છે.

  8. KHAREKHAR..KHUB MAZAA PADI GAI SACHOT ADBHOOT DESCRIPTION…CHHELLI BE PANKTIO …..? HASHE SOMETHING IS BETTER THEN NOTHING!! BUT WE AGREE HERE THAT,I,MY WIFE & MY SON WERE VERY HAPPY TO READ COMPLETE PARA & ENJOYED POETRY VERY VERY MUCH THE FACT IS DESCRIBED OF TODAY!S LIFE!!!JSK…RANJIT VED &FAMILY…THANK YOU JAYSHREEBEN…..AAVJO..ALL THE BEST..!

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *