કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ


(જરા = ઘડપણ)

(આભાર વિવેક ટેલર)

4 replies on “કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ”

  1. કવિ દલપતરામની આ માર્મિક રચના. વળી, આજે રોગ,વૃધ્ધાવસ્થા અને મૃત્યુથી સંસારને મુક્ત કરવાના રહબર ભગવાન બુદ્ધનો આજે જન્મદિવસ છે. તદ્દન પ્રાસંગીક રચના.

  2. મનહર છંદમાં લખાયેલ મનહર કાવ્ય… મોટેથી ગાઈએ તો વધુ મજા પડે…

  3. જયેન્દ્ર ઠાકર says:

    જુવાનીતો દીવાની છે. તો ડોશી બાળપણને શોધવાને બદલે જુવાનીને ગોતે તેતો પથ્થર ઉપર પાણી રેડવા જેવુ થયુ.

  4. ખુબ જ સરસ………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *