ધબકારાનો વારસ – અશરફ ડબાવાલા

ગયા શનિવારે અમે ‘ડગલો’વાળાઓએ ‘પગલાં વસંતના’ કાર્યક્રમ રજૂ કર્યો – એમાં સુનિલભાઇએ અશરફ ડબાવાલાની આ ગઝલ ખૂબ સુંદર રીતે રજૂ કરી. એમના કાવ્ય સંગ્રહનું શિર્ષક ‘ધબકારાનો વારસ’ જે ગઝલ પરથી આવ્યું એવી આ ગઝલ સુનિલભાઇના પઠન, અને નેહલ દ્રારા એના બે શેરોની સ્વરાંકિત રજૂઆત પછી મનમાં ઊંડે સુધી ઘર કરી ગઇ. અને હા, સાથે એ પણ જાણવા મળ્યું કે આ ગઝલ શ્યામલ-સૌમિલ દ્રારા અદ્બુત રીતે સ્વરબધ્ધ થઇ છે..!! એ સ્વરાંકન મારા સુધી પહોંચે ત્યારે તમારી સાથે ચોક્કસ વહેંચીશ – આજે ગઝલના શબ્દો માણીએ..!!

* * * * *

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હૃદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

આ પથરાળા રસ્તાની ઠેસે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

– અશરફ ડબાવાલા

13 replies on “ધબકારાનો વારસ – અશરફ ડબાવાલા”

 1. સરસ ગઝલ્.માણસ ગમે તેટલો પ્રયત્ન કરી વાસ્તવિકતા છુપાવવા કોશિશ કરે, તેની અસલિયતને ખુલ્લી પડતા વાર નથી લાગતી.ઢાંકપિછોડો કરવાનો છોડી દઈ સરળતા અપનાવી જીવનની સચ્ચાઈ ઉજાગર કરવાની વાત મને ગમી.
  આ પંક્તિઓ ખુબ ગમી.

  મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
  સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

  તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
  ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

  અભિનંદન ડોક્ટર સાહેબ.

 2. સહુથી પ્રથમ તો અશરફભાઈને માત્ર રદિફ અંગે અલગથી અભિનંદન આપવા જોઇએ એવો સોંસરો ઉતરી જાય એવો “ટનાટન” રદિફ લાવ્યા છે-
  આખેઆખી ગઝલમાં વાસ્તવિકતા જે રીતે વણીને મૂળ વાત રજુ કરી છે એજ શૈલી અશરફભાઈને અન્ય કરતાં અલગ તારવે છે.
  ઠરેલી જામગરી અને તારે ગજવે બાકસ છે એ વાત કેવી અદ્ભુત રીતે રજુ થઈ છે ….!!!
  અભિનંદન સર….

 3. કેવી વક્રતા છે કે માણસે માણસ માટે આવા આકરા શબ્દોનો પ્રયોગ કરવો પડે.

 4. chandrika says:

  ખરેખર આપણે જેવા હોઈએ તેવા રહીએ તો !
  ખુબ જ સરસ.
  ચન્દ્રિકા

 5. સુંદર ગઝલ…

  ઢાંકપિછોડો રે’વા દે રદીફ ગમી ગઈ…

 6. Pinki says:

  સરળ ને સહજ ગઝલ…સરસ રદ્દીફ … !

  માણસની માણસાઈને ઉજાગર કરતી ગઝલ !

 7. આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે અશરફની ગઝલો અને ગીતોનું ઑટોગ્રાફ કરેલું પુસ્તક “ધબકારાનો વારસ”. એમણે લખ્યું છેઃ
  “ગિરીશભાઈ પરીખને
  શબ્દપૂર્વક
  હ્રદયપૂર્વક
  (સહી)
  ૫/૨૦/૦૦”

  હું અશરફની ગઝલો અને ગીતોનો આશિક છું. શિકાગોના મારા વર્ષોના વસવાટ દરમિયાન એમના પ્રત્યક્ષ પરિચયમાં પણ આવ્યો છું.એમણે યોજેલાં મોટા ભભાનાં કવિસંમેલનોમાં હાજર રહેવાનું, કેટલાંકમાં ભાગ લેવાનું, અને વર્તમાનપત્રોમાં એમના વિશેના અહેવાલો પ્રકટ કરાવવાનું સદભાગ્ય મને સાંપડેલું.

  અશરફની SCHIZOPHRENIA ગુજરાતી કાવ્ય અને એનો અંગ્રેજી અનુવાદ વાંચવા ક્લીક કરોઃ
  http://tahuko.com/?p=1418

  અશરફના “ધબકારાનો વારસ” વિશે મેં લેખ લખ્યો છે. ઈશ્વરની ઇચ્છા હશે તો નીચેના બ્લોગ પર પોસ્ટ કરીશઃ
  http://www.girishparikh.wordpress.com
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  E-mail: girish116@yahoo.com

 8. જયશ્રીબહેનઃ ઉપરના મારા લખાણમાં ‘ભભાનાં’ ની જગાએ ‘ભાગનાં’ કરવા વિનંતી. તકલીફ બદલ માફ કરશો.

 9. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગઝલ છે.

 10. pragnajuvyas says:

  મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
  સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

  તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
  ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
  વાહ્

 11. Sunil Patel says:

  તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે.
  ને તારે ખિસ્સે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

 12. dipti says:

  મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
  સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

  સરસ ગઝલ.આપણે જેવા હોઈએ તેવા રહીએ.સરળતા જિંદગીને શાંતી આપે છે.

 13. Viththal Talati says:

  માફ કરો આ ગુસ્તાખી, થોડીક પૂર્તિ કરું?
  કંટકોનાં સ્મરણ વિસરી ફૂલોમાં ભલા ફૂલ થઇ રહેવા દો
  વિપદ આવે તો ભલે આવે, સદા બહાર થઇ રહેવા દો.
  બવંડર તો આવતાં જ રહેશે, આવ્યાં છે તો કોરાં થઇ રહેવા દો.
  અગ્નિ તો રચે છે ઘાટ અવનવા, રૂપાળા આકાર થઇ રહેવા દો.
  વૃધ્ધ્તવની લાકડીનો સંગાથ શાને, આવ્યું છે તો પડકાર થઇ રહેવા દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *