એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ – વિવેક મનહર ટેલર

 Photo  by VIjay Pandey

સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ. 

ભૂલોનો છેદ કાઢીને માંડો નવું ગણિત,
એ રીતે તો આ દાખલો પાછો ગણાય નહિ.

જીવનની કબ્ર તંગ રહી છે સદૈવ, દોસ્ત!
મનફાવે ત્યારે લાશથી પડખું ફરાય નહિ.

જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.

દિનરાત મેં વલૂરીને નાસૂર કીધાં છે,
એવા આ દર્દનો હવે કોઈ ઉપાય નહિ.

પડઘાંની સાથે ખેંચીને લઈ આવે જે તને,
એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ.

મુજ શબ્દદ્વાર ખુલ્લાં છે, તું કાવ્ય થઈને આવ,
અંતિમ છે શ્વાસ, મરતાંને કંઈ ના પડાય નહિ.

 

7 replies on “એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ – વિવેક મનહર ટેલર”

 1. Umang modi says:

  ખુબ જ સરસ છે.

  દિનરાત મેં વલૂરીને નાસૂર કીધાં છે,
  એવા આ દર્દનો હવે કોઈ ઉપાય નહિ.

  પણ આ વલૂરી એટલે શુ ??

  મુજ શબ્દદ્વાર ખુલ્લાં છે, તું કાવ્ય થઈને આવ,
  અંતિમ છે શ્વાસ, મરતાંને કંઈ ના પડાય નહિ.
  આ line મને ખુબ જ ગમી…

 2. વિવેક તારા દુઃખમાઁ પણ છે દિલાસો આજ,
  સપનામાઁ આવી ગઈ છે તુઁ વાપસ જવાય નહિઁ.

 3. ruju Mehta says:

  Khaubaj saras…..
  Jivan man ek pal kadi evye pan avshe
  pacha javay nahi ane agal vadhay nahi….

 4. વલૂરવું એટલે ખંજવાળવું, ખણવું.

 5. પંચમ શુક્લ says:

  વાહ અદભૂત! અને તદ્દન અનોખો શેર;

  પડઘાંની સાથે ખેંચીને લઈ આવે જે તને,
  એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ.

 6. harshad jangla says:

  વિવેકભાઈ સરસ લખો છો
  વધુ ને વધુ લખતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *