દીવાનખાનામાં – પન્ના નાયક

માર્ચની પાંચમીએ પન્નાઆંટીની વેબસાઈટ ‘વિદેશિની’ની પ્રથમ વર્ષગાંઠ હતી… એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.   આ પ્રસંગે માણો એમનું એક નવુંનક્કોર ગીત, બગીચો…  એમની વેબસાઈટ પન્નાનાયક.કૉમ પર.

(દીવાનખાનામાં….Photo : Artnlight)

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.

– પન્ના નાયક

(આભાર – લયસ્તરો.કોમ)

આસ્વાદ (By વિવેક ટેલર):

પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.

અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…

સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?

22 replies on “દીવાનખાનામાં – પન્ના નાયક”

 1. Yashvant Suthar says:

  Really very nice. Bahu j Saras work 6r GUJARATI ne JIVANT rakhvanu. THANKS.

 2. surendra says:

  ઑસ્ંમ બહુૂ સુનદેર્

 3. P Shah says:

  લયસ્તરો પર માણેલી રચના આજે ફરી માણી !

 4. Pannaben ni khoob saras abhivyakti.Jivan nu pan kaink evu j chhe,badhun vyavsthit gothvya pachhi pan manas kyanay gothvato nathi.

 5. pannabennu khoobsurat kavya,ketli saras abhivyakti chhe.manas jivanman badhu gothvya pachhi,pote aama kyan gothavavu eni gadmathalma chhevate to oobho j rahe chhe kaink bijani shodhman.

 6. P Shah says:

  પન્ના નાયકની અન્ય રચનાઓ માટે અહીં ક્લીક કરો-

  http://aasvad.wordpress.com/category/પન્ના-નાયક/

 7. સરળ શબ્દોમા બહુ મોટી વાત કહી દીધી. સાચે કોઇક વાર ઘરમા અસબાબ ગોઠવવાની જેટલી ચિંતા કરીયે છે તેટલી તેમા રહેતા માણસની નથી કરતાં.

 8. મારી મનગમતી કવિતા…

  અને કચ્છના ભુંગાનો ફોટોગ્રાફ… મજા આવી ગઈ…

 9. PRADIP SHETH BHAVNAGAR says:

  કૈંક આવાજ ભાવને સ્પર્શતુ ભાવનગરની કવયિત્રી મોના મહેતાનું કાવ્ય યાદ આવી ગયુ….

  ઘર અસ્ત-વ્યસ્ત થયા પછી ,
  વ્યવસ્થિત થઈ જાય છે..
  હું અસ્ત-વ્યસ્ત થયા પછી,
  વ્યવસ્થિત થઈ શકતી નથી.

  અસ્ત-વ્યસ્ત ઘરને હું વ્યવસ્થિત કરું છું.. પણ્..
  હું અસ્ત-વ્યસ્ત થાઊં તો
  કોણ વ્યવસ્થિત કરે ????

 10. આપણુ જીવન બધુ ગોઠવવામાં જ જતુ હોય છે,
  બધાનુ બધુ સમ્ભાળતા સમ્ભાળતાજ જીવન પુરુ થવા આવે છે..
  અને પછી પોતે જ ખોવાઈ જતા હોઇયે છીયે..
  પોતાનુ સ્થાન ગોતવુ પડે છે.
  પન્નાબેન ના કાવ્યો સરસ હોય છે..
  આભાર..

 11. મોના મહેતાનુ કાવ્ય ઘણુ સરસ છે.

 12. Dr.Darshika Shah says:

  ખુબ સુન્દર કાવ્ય,સુન્દર અભિવ્ય્ક્તિ,

 13. Bharti says:

  Congrats on your first year.keep on sending a that wall to wall carpet.

 14. Neela says:

  પન્નાબેન, ખુબ સરસ કાવ્ય, સરળ અને મર્મભર્યું. કાવ્યના શબ્દો, એમાં છુપાયેલા ભાવોને જાગ્રત કરવામાં સુન્દર રીતે સફળ થયા છે.
  જયશ્રી અને અમિત, અમને બધાને સુન્દર રચનાઓની મજા મણાવવા માટે તમારો ખુબ જ આભાર 🙂

 15. સરળ અને સહજ ભાષામાં લખાયેલ કાવ્ય… વાંચ્યા પછી બે ઘડી ચિત્તતંત્રમાં એક શુન્યાવકાશ રચી જાત વિશે વિચારતા કરી દે.

 16. Pinki says:

  good poem… !
  congratulations to panna aunty !

 17. M.D.Gandhi, U.S.A. says:

  ખરેખર આજના જમાનાને ઉજાગર કરતું કાવ્ય. ભવ્ય મહેલ હોય પણ એમાં મહાલવાનો સમય પણ નથી મળતો અને આરામથી બેસવાને બદલે આમથી તેમ ભટકીને અકારણ દુઃખી થયા કરીએ છીએ.

 18. CHANDA says:

  ખુબ સરસ.

 19. pragnaju says:

  સુંદર અછાંદસ
  અમારા પૌત્રે બૉર્ડ લખ્યું છે……………
  “THIS IS MY MESS
  &
  I LOVE IT”

 20. Swadha Majmudar says:

  આ તો મારે જેને શબ્દો મા બાધવુ હતુ અને બનધતુ નોહતુ તેજ પન્નાબેને ચિત્રિ આપ્ય બહુજ સરસ્.

 21. manjula parekh says:

  Do you think you can e mail me Pannaben Nayak’s email ID or email address. thank you
  Manjula parekh

 22. vipul acharya says:

  પન્ના બેન અને મોના બેનનેી ઘર અને દિવાનખાના વિશે સમાન અભિવ્યક્તિનુ કારણ ક્દાચ મહિલા હોવ હોય શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *