તારી ને મારી વાત – રમેશ પારેખ

chandani

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

7 replies on “તારી ને મારી વાત – રમેશ પારેખ”

  1. પડછાયા પાંગરીને સરકતા નથી હવે
    સુરજ તમારી યાદ ના ઉગતા નથી હવે,

    ભીંતો ચણાઇ ગઇ છે અહીં સૌની આસપાસ
    રસ્તા ને જોડતા કોઇ રસ્તા નથી હવે,

    શબ્દો જ ક્યાં હતા કે દિલાસોય આપીયે
    બહેલે જરા દિલ એ તમાશા નથી હવે,

    થીજી ગયેલા રાજકોટ માં “ખુશ્બુ” ને શોધવા
    ઊંચકી ને “મીત” ની નનામી કોઇ નીકળતા નથી હવે.

    મૌલિન ભટ્ટ. (મીત).

  2. છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
    ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

    એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
    આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

    -સુંદર ગઝલ… ર.પા.ની ગઝલ વિશે કંઈ બોલવું જરૂરી છે? એ માણસના માથે તો શબ્દ-મણિ હતો…. જ્યાં હાથ નાંખે ત્યાં કવિતા નીકળતી…

  3. સપનાઁનો ભાર થાય છે તારી ને મારી વાત…
    માટે જ,
    સુતાતો સપને મળુ જાગુઁ તો મનમાઁહી.

    બહુજ સરસ ગઝલ.

  4. આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત…..

    સરસ ગઝલ

Leave a Reply to Kinjal Makwana Cancel reply

Your email address will not be published. Required fields are marked *