વરસાદ તારા નામ પર ! – વેણીભાઇ પુરોહિત

 

આજ નથી જાવું બસ કોઇનાય કામ પર
અલ્યા
ધીંગા વરસાદ !
તારા નામ પર !

આજ આખી આલમથી અલગારી છુટ્ટી,
જિંદગીને લાધી ગઇ કંઇક જડીબુટ્ટી,

આજ નથી મહેરબાન થાવું આ ગામ પર.

ચોમાસું આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી આ ગમગીની ગમે,
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે,

આજ મને આવી છે ઊલટ આરામ પર.

ધુમ્મસિયું આભ અને અજવાળું પાંખું,
સૂરજને ગેબ ગેબ ગોખલામાં નાખું,
સપનું છે ચોખ્ખું પણ જોણું છે ઝાંખું.

આજે હું તરસ્યો છું તીરથ ધામ પર.

રાગ હો મલ્હાર અગર રાગ હોય મારુ,
કેફ હોય મૃગલું, માતંગ કે કાંગારું,
બંદરના વાવટાને કહો વારુ વારુ,

આજે હું આફરીન અંધા અંજામ પર.

આજ નથી જાવું
બસ કોઇનાય કામ પર.

7 replies on “વરસાદ તારા નામ પર ! – વેણીભાઇ પુરોહિત”

 1. આફરીન says:

  જબરી મસ્તીનું ગીત છે. વાંચીને ઘડીભર તો થઈ ગયું કે આવતી કાલે મારે job પર જવું જ નથી! 🙂

 2. Radhika says:

  શુ યાર જયશ્રી અહિ અમદાવાદમા કાલ રાત નો સરસ ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે, એમ પણ એવુ જ મન હતુ કે કયા આવુ અહ્લાદક વાતાવરણ અને ક્યા ઓફીસ મા કામની પણોજણ જા…. નથી જાવુ આજે ઓફિસ…..
  અને એમા ય તારુ આ ધમાલીયુ ગીત , લાગે છે ક તુ આજે રજા પડાવી ને રહીશ

  આજ નથી જાવું બસ કોઇનાય કામ પર
  અલ્યા
  ધીંગા વરસાદ !
  તારા નામ પર !

 3. ગીતની ધ્રુવપંક્તિ તો ઘણી જાણીતી છે. આખું કાવ્ય આજે જ વાંચ્યું. આભાર… વરસાદ ફરીથી જામ્યો છે અને મોડો-મોડો પણ એ રીતે જામ્યો છે કે ડર લાગે છે. સુરતની આસપાસના ગામોમાં તો પૂર આવી પણ ચૂક્યા છે. સુરત આ વખતે પણ પૂરમાં તણાશે એ વાત સાવ નક્કી લાગે છે. આ વર્ષે તો રસ્તામાં ભરાયેલા પાણીને જોઈને જ છાતીના પાટિયા બેસી જાય છે. પાણીથી કદાચ પહેલીવાર ડર લાગ્યો આ જિંદગીમાં… ગયા વરસે પૂરની વચ્ચે રહીને પણ આ ભય ન્હોતો અનુભવાતો…. એ આજે ફક્ત કોરી કલ્પનાથી અનુભવાય છે…

 4. પંચમ શુક્લ says:

  અલ્યા
  ધીંગા વરસાદ !
  તારા નામ પર !

  Very catchy!

 5. આજ નથી જાવું
  બસ કોઇનાય કામ પર…

  ચાલ, હું યે બેસી ગઇ બધું કામકાજ છોડીને હવે… 🙂

 6. harshad jangla says:

  વેણીભાઈ જન્મભૂમિ માં અખા ભગતને નામે ધપ્પા લખતા એ મને બરોબર યાદ છે. ઍમની ભાષા રસિક હોય છે
  સરસ ગીત આભાર

 7. sneh says:

  સરસ્….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *