ઇશ્કનો બંદો – કલાપી

જો ઇશ્ક ના શું ખુદા? આલમ કરી તોયે ભલે,
જો ઇશ્ક ના શું જહાં? એને ખુદાયે શું કરે?

આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ,
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે-ઇશ્ક છે!

એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું?
જ્યાં લઐલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?

રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!
શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે!

ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!

જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે!

છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે?

જો કો હમોને વરશે, કાઈ હમોને પૂછશે,
તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!

ગુલામ થઈ રહેશું કદા પણ બાદશાહી મ્હાલશું,
માલિકના બિલનું કરીને તખ્ત સૂનારા હમે!

હા! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે,
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે!

આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો!
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને!

ી તો હમારી માદરે પાયું હમોને જન્મતાં,
ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ…જ છે!

એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે!

– કલાપી

11 replies on “ઇશ્કનો બંદો – કલાપી”

  1. એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
    એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે!

    ઇશ્ક ઇશ્વરીય વરદાન છે..જેને મળે એ ધન્ય થઈ જાય..

  2. પ્રેમ અને ઈશ્વરને સાંકળતી રચના અને કલાપીને આદરભરી શ્રધ્ધાંજલી, તમારો આભાર શ્રી જયશ્રીબેન……………..

  3. જેટલો આનંદ કવિતા વાંચીને થયો એટલો જ આનંદ પોસ્ટ કરનાર વ્યક્તિનું નામ જાણીને થયો.

  4. જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
    છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે! આને કહેવાય ખુમારી….! બધાંને હેપ્પી વેલેન્ટાઇન્સ ડે….!

  5. ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
    જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!

    મને તો આ શેર ગમ્યો.

  6. duniya ki kya jururat mujhe yaar ka nasha hai
    manjil use mili hai jo ishq mein mita hain
    marane se pehale koyi duniya mein kya jiya hai
    mera sanam nahi toh saara jahaan kya hai
    main fakir ishq mera bas ishq hi khuda hai
    mera sanam nahi toh saara jahaan kya hai

  7. વાહ વાહ શબ્દ નથિ જડ્તા તમારિ તારિફ માટે આફ્રિન

  8. સુંદર પ્રણયરંગી રચના… Velntine day માટે Well-in-time ગણી શકાય એવી…

    ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
    જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!
    – આ શેર તો અજરામર છે…

  9. ઈશ્કે-મિજાજી અને ઈશ્કે-હકીકી ને વ્યક્ત કરતી ખુમારી સભર ગઝલ!
    આ પંક્તિ રાજવી કવિ કલાપીની આગવી છટા રજૂ કરે છે.

    એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
    એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે!

    અમિતજીનો આભાર.

    સુધીર પટેલ.

  10. જયશ્રીબેન,
    ઇશ્કનો બંદો – કલાપીનું કાવ્ય જેટલું સમજાયું તેટલું ગમ્યું. થોડા ઉર્દુ શબ્દો ન સમજાયા તેથી કાવ્યને સંપુર્ણ માણી ન શકાયું.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply to Chandrakant Lodhavia Cancel reply

Your email address will not be published. Required fields are marked *