ગુજરાતીમાં – નયના જાની

બાળક પહેલો અક્ષર બોલે- ગુજરાતીમાં
માનાં મીઠ્ઠાં હાલરડાંની વાણી સુણતાં ચડતું ઝોલે- ગુજરાતીમાં

કોયલ કૂ કૂ ગુજરાતીમાં
ચકલી ચીં ચીં ગુજરાતીમાં
લીલો લીલો પોપટ સીતારામ બોલતો ગુજરાતીમાં
કાગનો કાળો ડગલો ચમકે ગુજરાતીમાં
કા કા બોલ્યો ગુજરાતીમાં
ઠાગાઠૈયાં કરતો કેવાં ગુજરાતીમાં !

બાર ગાઉએ બોલી બદલે ગુજરાતીમાં
મમ મમ આપો ગુજરાતીમાં
ભૂ પીવું છે ગુજરાતીમાં
દૂધ્ધું પીવું ગુજરાતીમાં
પિકોકને તો મોતી ચણંતો મોર કહે છે ગુજરાતીમાં
મૂન છે ને તે ચાંદામામા ગુજરાતીમાં
સન છે ને તે સૂરજદાદા ગુજરાતીમાં
કાઉ એ કેવળ કાઉ નથી એ ગૌમાતા છે ગુજરાતીમાં

ગાંધી તો ગાંધીબાપુ છે ગુજરાતીમાં
ક્રિશ નથી એ કામણગારો કાનુડો છે ગુજરાતીમાં
ગુજજુ તો ગુર્જરભાષી છે ગુજરાતીમાં

બેબી તો વ્હાલો દિક્કો છે ગુજરાતીમાં
બકરીબેન તો બેં બેં બોલે ગુજરાતીમાં
હોંચી હોંચી કોણ હરખતું ગુજરાતીમાં
હૂપ હૂપાહૂપ કોણ કૂદતું ગુજરાતીમાં

જગત જરા લાગે છે સહેલું ગુજરાતીમાં
દાદીમા તો કહે વારતા ગુજરાતીમાં
ભાભો છે ને ઢોર ચારતા ગુજરાતીમાં
કોઠી પડી’તી આડી રે ભાઈ ગુજરાતીમાં
છોકરે રાડ પાડી રે ભાઈ ગુજરાતીમાં
એક બિલાડી જાડી રે ભાઈ ગુજરાતીમાં
પાછી પહેરે સાડી રે ભાઈ ગુજરાતીમાં
એક દલો તરવાડી રે ભાઈ ગુજરાતીમાં
એક ભૂવાની વાડી રે ભાઈ ગુજરાતીમાં
મંદિર વિશ્વ રૂપાળું રે ભાઈ ગુજરાતીમાં
નહીં એને કંઈ તાળું રે ભાઈ ગુજરાતીમાં
સકલ વિશ્વને અડકો રે ભાઈ ગુજરાતીમાં
રમીએ અડકો દડકો રે ભાઈ ગુજરાતીમાં

અધમધ રાતે નિહારિકાઓ આભ વચાળે ગરબી લેતી ગુજરાતીમાં
ઘૂમતા ઘૂમતા એકમેકને તાળી દેતી ગુજરાતીમાં

વિરાટનો હિંડોળો ઝાકમઝોળ ઝૂલે ગુજરાતીમાં
કોક કવિને ગાન દિશાઓ સઘળી ખૂલે ગુજરાતીમાં
શ્વાસ નિરંતર સોહમ્ સોહમ્ ગુજરાતીમાં
કોણ પૂછતું કોહમ્ કોહમ્ ગુજરાતીમાં

ઈન્ગ્લિશ, જર્મન, ફ્રેન્ચ, સ્વાહિલી સટ સટાસટ સરસ મજાનું બોલી દઈએ ગુજરાતીમાં
કોઈ પણ હો વેશ ગમે તે દેશ અમારું હૈયું ધબકે ગુજરાતીમાં

10 replies on “ગુજરાતીમાં – નયના જાની”

  1. નયનાબહેન ,
    અદભૂત –વર્ષો પહેલા શાળામાં ભણતા તે કાવ્યો નો સમૂહ –એકજ કાવ્ય માં –બખૂબી થી પીરસવા માટે આભાર —
    મારી દીકરી નાની હતી ત્યારે ઉપરોકત સઘળા કાવ્યો તેને હું હિચકે જુલાવતા સંભળાવતો —તમે નહિ માનો પરંતુ
    આજે પણ મને તે જૂની કવિતા સાંભળવા ની જીદ કરે છે.. …ખૂબ આભાર –હવે તો તે પણ ટહુકો.કોમ જોવા માંડી છે.
    જો અખા ના છપ્પા વાંચવા મળી જાય તો જલસો થશે– —
    અચ્યુત મેહતા –૨૩/૦૯/૨૦૧૧

  2. નયનાબેનને ખૂબખૂબ અભીનંદન!સમયના વહેણથી વિખૂટી પડી ગયેલી આપણી નવી પેઢીનું હૈયું પોતાની માતૃભાષામાં જધબકવું જૉઈએ!ખૂબ સુંદર રચના!

  3. Comment No 1 wala shri dineshbhai,

    Apana Pautrane, Takalif Laine Pan, najinna BAPS – Swaminarayan Mandirman Ravivar ( Sunday) savarthi muki avo. It seems U R in USA, if in NJ, U can certainly avail this.

    PS : I do not follow Swaminarayan Dharma, pl do not take this as one from a follower, at the same time, pl do not ignore this suggestion.

    JsK

  4. ઈન્ગ્લિશ, જર્મન, ફ્રેન્ચ, સ્વાહિલી સટ સટાસટ સરસ મજાનું બોલી દઈએ ગુજરાતીમાં
    કોઈ પણ હો વેશ ગમે તે દેશ અમારું હૈયું ધબકે ગુજરાતીમાં

    અમે પણ અમેરિકામા બોલીઍ ગુજરાતીમાં અને બાળકોને પણ શીખવીઍ ગુજરાતીમાં કે ક કબુતરનો ક..ને ન નગારાનો…

    અભિનંદન નયનાબેન….

  5. જયશ્રીબેન,
    નયના જાની ના “ગુજરાતીમાં” જોડકણાંમાં મઢેલું ગીત બાળપણની ઘણી બધી કવિતાઓની યાદી આપે છે. યાદ રાખી ગણગણવાની મજા આવે તેવું છે. અભિનંદન.
    ચન્દ્રકાંત લોઢવિયા.

  6. વાહ નયનાબેન,
    ખૂબ સુંદર વાત કહી ગુજરાતીમાં…..
    મને લાગે છે ૧ થી ૫ ધોરણના અભ્યાસક્રમમાં એક તો ગુજરાતી વિષય અને બીજું આ ગીત ફરજીયાત સામેલ કરવા જેવું છે….!
    છેલ્લી પંક્તિમાં તો જાણે આખી રચનાનો સાર સમાવી લીધો તમેં.
    -અભિનંદન
    જાનીજીને પણ પ્રણામ પાઠવું છું.

  7. અમે તો અમેરિકામા પણ બોલીએ ગુજરાતીમા ગુજરાતીમા અને ગુજરાતીમા

    અતિ સુન્દર કાવ્ય
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  8. ખૂબ મજા પડી ગઈ ભાઈ ગુજરાટતીમાં!
    હમણાં અહીં દાદીમા (મારા પત્ની) અમારા ૨ વર્ષના પૌત્રને વારતા રે વારતા કહેતા
    ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા…..અને એક બિલાડી જાડી..ને સાડી છેડો છૂટી ગયો ને મગર બિલ્લીને ખાઈ ગયો……સંભાળાવે છે અને તેની કાલી ઘેલી બોલીમા દિવ્યાન અનુસરે છે એટલે આ ગીત બહુ ગમ્યું ગુજરાતીમાં……….
    આપણી વ્યવ્હારની ભાષા અંગ્રેજી જ છે અને રહેવાની જ છે એટલે લાખ પ્રયત્ને પણ બાળક્ને તેનાથી દૂર ન રાખી શકાય. પરંતુ SCHOOLમા જઈને બાળક અંગ્રેજી ભાષાના પ્રપંચમાં પળોટાય એ પહેલાં એકદ બે વર્ષ તેની સાથે આપણે આપણી માતૃભાષાની મીઠાશ માણી શકીયે.
    બહુ સુંદર કાવ્ય નયના જાની તથા તમને અભિનંદન!

Leave a Reply to Bhadresh Joshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *