જટાયુ – સિતાંશુ યશશ્ચંદ્ર

નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક
વચ્ચે સદસદ્જ્યોત વિહોણું વન પથરાયું રંક

ધવલ ધર્મજ્યોતિ, અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર વનવાસી ખાંખાંખોળ

શબર વાંદરાં રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલાં
શુક-પોપટ સસલાં શિયાળ વરુ મોર વાઘ ને હોલાં

વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે

દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ

જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક
ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે, ક્યાં દૂર દખ્ખણે લંક

વનમાં વિવિધ વનસ્પતિ, એની નોખી નોખી મઝા
વિવિધ રસોની લ્હાણ લો, તો એમાં નહીં પાપ નહીં સજા

પોપટ શોધે મરચીને, મધ પતંગિયાંની ગોત
આંબો આપે કેરી, દેહની ડાળો ફરતી મોત

કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય
મૃત્યુફળનાં ભોગી ગીધો બપોરમાં દેખાય

જુઓ તો જાણે વગર વિચારે બેઠાં રહે બહુ કાળ
જીવનમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ

ડોક ફરે ડાબી, જમણી : પણ એમની એમ જ કાય
(જાણે) એક ને બીજી બાજુ વચ્ચે ભેદ નહી પકડાય

જેમના ભારેખમ દેહોને માંડ ઊંચકે વાયુ
એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ

આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઊડવાની ટેવ
પહોર ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખેવ

ઊંચે ઊંચે જાય ને આઘે આઘે જુએ વનમાં
(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈક મનમાં

ઊની ઊની હવા ને જાણે હૂંફાળી એકલતા
કિશોર પંખી એ ઊડે ને એને વિચાર આવે ભળતા

વિચાર આવે અવનવા, એ ગોળ ગોળ મૂંઝાય
ને ઊની ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય

જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ

માતા પૂછે બાપને : આનું શું ય થશે, તમે કેવ
આમ તો બીજું કંઈ નહી પણ આને બહુ ઊડવાની ટેવ

ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ
પણ ભોળું છે એ પંખીડું ને આ વન તો છે મોટો ઠગ

(જ્યમ) અધરાધરમાં જાય જટાયુ સહજ ભાવથી સાવ
(ત્યમ) જુએ તો નીચે વધ્યે જાય છે વનનો પણ ઘેરાવ

હાથવા ઊંચો ઊડે જટાયુ તો વાંસવા ઠેકે વન
તુલસી તગર તમાલ તાલ તરુ જોજનનાં જોજન

ને એય ઠીક છે. વન તો છે આ ભોળિયાભાઈની મા
લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા

હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત

એક વખત, વર્ષો પછી, પ્રૌઢ જટાયુ, મુખી
કેવળ ગજ કેસરી શબનાં ભોજન જમનારો, સુખી

વન વચ્ચે, મધ્યાહ્ન નભે, કૈં ભક્ષ્ય શોધમાં ભમતો’તો
ખર બિડાલ મૃગ શૃગાલ શબ દેખાય, તોય ના નમતો’તો

તો ભૂખ ધકેલ્યો ઊડ્યો ઊંચે ને એણે જોયું ચોગરદમ
વન શિયાળ-સસલે ભર્યુંભાદર્યું, પણ એને લાગ્યું ખાલીખમ

એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર
વન ના-ના કહેતું રહ્યું જટાયુ અવશ ઊછળ્યો અધ્ધર

ત્યાં ઠેક્યાં ચારેકોર તુલસી તગર તમાલ ને તાલ
સૌ નાનાં નાનાં મરણભર્યાં એને લાગ્યાં સાવ બેહાલ

અને એ જ અસાવધ પળે એણે લીધા ક્યા હવાના કેડા
કે ફક્ત એક જ વીંઝી પાંખ હોં ને જટાયુએ દીઠા વનના છેડા

નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણે નગરી લંક
બે ય સામટાં આવ્યાં જોતો રહ્યો જટાયુ રંક

પળ તો એણે કહ્યું કે જે – તે થયું છે કેવળ બ્હાર
પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટયો બેય નગરનો ભાર

નમી પડ્યો એ ભાર નીચે ને વનવાસી એ રાંક
જાણી ચૂકયો પોતાનો એક નામ વિનાનો વાંક

દહમુહ – ભુવન – ભયંકર, ત્રિભુવન – સુંદર – સીતારામ
-નિર્બળ ગીધને લાધ્યુ એનું અશક્ય જેવું કામ

ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી
ત્યાં તો સોનામૃગ, રાઘવ હે, લક્ષ્મણ રેખા, સ્વાંગને સજી

રાવણ આવ્યો, સીત ઊંચક્યાં, દોડ્યો ને ગીધ તુરંત
એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો, એક યુધ્ધે મચ્યો
હા હા ! હા હા ! હાર્યો, જીવનનો હવે ઢૂંકડો અંત

દખ્ખણવાળો દૂર અલોપ, હે તું ઉત્તરવાળા ! આવ
તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ

દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ
પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ

ઝટ કર ઝટ કર, રાઘવા ! હવે મને મૌનનો કેફ ચડે
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે

તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી
પણ હું તો વનેચર મર્ત્ય છું – હવે ઝાઝું ટકીશ નહીં

હવે તરણાંય વાગે છે તલવાર થઈ મારા બહુ દુઃખે છે ઘા
આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા?

આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ?
-નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ

-સિતાંશુ યશશ્ચંદ્ર

(આભાર : માવજીભાઇ.કોમ)

18 replies on “જટાયુ – સિતાંશુ યશશ્ચંદ્ર”

 1. Dr.Sharvari Dixit says:

  Shree Sitanshu Yashashchandra recited this epic poem in his own amazing style, during his visit to the San Jose California area. Under the banner of a small fountation called ‘Pratyancha’, which he helped to name, we showcased this living legend’s amazing rendition. It is my sincere wish that Tahuko.com begin to include podcasts from such dignitaries, to preserve our heritage for the future. Please take yet another step forward in order to make this possible. Ask your many fans to pitch in, I’m certain they will. Thank you again Jayshreeben for this beautiful site.

 2. કમલેશ says:

  આ અણસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ?
  -નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ

  વાહ……સુન્દર અભિવ્યક્તિ

 3. One of my favorite bouquets. Simply beautiful. This is what is ‘the poetry’ of the brilliant Gujarati poet. I am very happy to see this poet and this poem on Tahuko.

  દહમુહ – ભુવન – ભયંકર, ત્રિભુવન was a catch line for me when I was a young poetry reader!

 4. sudhir patel says:

  ઉત્તમ ગુજરાતી કાવ્યોમાંનું એક! માણવાની ખૂબ મજા આવી!
  સુધીર પટેલ.

 5. Ketan Pandya says:

  ખુબ ખુબ આભાર

 6. ઉત્તમ રચના..
  સરસ..

 7. સુંદર કાવ્ય… લાંબું પણ વાંચવાની મહેનત સાર્થક કરે એવું… બધા બંધ આસ્વાદ્ય થયા છે…

  ટહુકૉ.કોમનો પણ આભાર અને આવું દીર્ઘ કાવ્ય ટાઇપ કરવાની જહેમત ઊઠાવવા બદલ માવજીભાઈનો પણ આભાર… જયશ્રી પૉસ્ટની નીચે મૂળ સાઇટના સૌજન્યનો સ્વીકાર કરે છે જે મોટા ભાગના બ્લૉગર્સ માટે દીવાદાંડી સમું છે… ઘણા બ્લૉગર્સ હજી પણ કોપી-કટ-પેસ્ટ પર જ જીવે છે…

 8. સુન્દર્..મનને સ્પર્શ કરિ ગૈ આ કવિતા..જટાયુ..રામાયણનુ એક અ વિસ્મરણિય પાત્ર…સિતામાતા માટે એણે પોતાના પ્રાણનિ આહુતિ આપિ..શ્રિરામનિ રાહ જોઇને સિતાના સમાચાર શ્રિ રામને આપિ ને દેહ ત્યાગ્યો…માવજિભાઇએ સુન્દર વર્ણન કર્યુ …

 9. Himanshu Trivedi says:

  Thank you very much … for getting this great poem on Tahuko. A gem of a poem from a great poet and wonderful human being. Khoob Khoob Aabhar.

 10. rohit says:

  મોહનનલાલલ રાયાનિ નુ ભજન હન્સલા જુનો રે છોડિ ને જબરો નાતો રે ખાબોચિયાને તુ ખોળિશમા શોધિ આપવા વિન્નતિ

 11. M.D.Gandhi, U.S.A. says:

  કાવ્ય લાંબુ છે પણ વર્ણન વિગતવાર કર્યું છે. સરસ કાવ્ય છે.

 12. આભાર તમારો!
  આ સુદર કાવ્ય રજૂ કરવા બદલ.
  એમણે એક મુલાકાતમાં કહ્યુ છેઃ
  “ભાષામાં સહેલુ સ્વીકરીઍ પછી એવી અશકિત આવી જાય જે પ્રજાને નિર્બળ બનાવે, ભાષાને
  મૂત્યુ તરફ લઈ જાય.ભાષાનો તરવૈયો ઉડા પાણીંમાથી મોતી લઈ આવે એવો છે. કહેનારમાં ઊડાણ હોવુ જરુરીે છે.ખોરાકમાં પાચનશકિત ગુમાવો પછી પ્રવાહી પર જ રહેવુ પડે.”

 13. “ભાષામાં સહેલુ સ્વીકરીઍ પછી એવી અશકિત આવી જાય જે પ્રજાને નિર્બળ બનાવે, ભાષાને
  મૂત્યુ તરફ લઈ જાય.ભાષાનો તરવૈયો ઉડા પાણીંમાથી મોતી લઈ આવે એવો છે. કહેનારમાં ઊડાણ હોવુ જરુરીે છે.ખોરાકમાં પાચનશકિત ગુમાવો પછી પ્રવાહી પર જ રહેવુ પડે.”
  શું લખાણ છે ! !
  સિતાંશુ યશચંદ્રની આ રચના ખુબ માવજત લઈ રચાઈ છે.ખુબ ગમી.ક્યારેક તેમના સ્વર માં સાંભળવા મળે તો મઝા આવી જાય્.જયશ્રીબેન અભિનંદન ના અધીકારી છે.

 14. MAHESH. PALEJA. CHARLOTTE NC USA says:

  thanks for this post pl ieed more inf aboutDR sitanshu contac information
  I think he was my Profeser at Bombay university.

 15. Msg.for Mahesh Paleja,
  Shri Sitanshu Mehta was my Gujarati
  professior also at Mithibai college
  Vile-Parle during year 1972-73
  To learn Gujarati under such person
  was an experience by itself.

  Arpana Gandhi – Mumbai

 16. નનુભાઈ સિંધવ says:

  ઈશ્વરની અપાર કરુણાને ભુલીને કર્તવ્યભાન ભુલેલા માણસને ડગલે ને પગલે તેની નજર સામે થતા અન્યાય અને અત્યાચારો સામે “જટાયુવૃત્તિ” કેળવવાની પ્રેરણા આપતુ સુંદર કાવ્ય ખૂબજ ગમ્યું. “રચયિતા” ને કોટિ કોટિ વંદન.

 17. Neelkanth Mehta says:

  જટાયુ એ એક અમ૨ કાવ્ય છે.

 18. shreyas says:

  “નગર અયોધ્યા ઉત્તરે, ને દખ્ખણ નગરી લંક” કાવ્ય ની શરુઆત મા આવુ કહેનાર જટાયુ કવ્ય ના અતેં બોલે છે “નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ”-કાવ્ય નુ સર્વોચ્ચ શીખર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *