શિકારીને – કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું !

– કલાપી

12 replies on “શિકારીને – કલાપી”

  1. જયશરીબેન,

    મારે કરશનદાશ માનેકનું ” મને એજ સમજાતુ નથી કે આવુ શાને થાય છે” સાંભલવુ છે.

    અશવીનભાઈ

  2. જયશ્રી બેન કલાપી ના આ કાવ્ય ને વાંચીને મન તરબતર થઈ ગયું. જુની યાદો તાજી થઈ ગઈ. એક ગુજરાતી શીક્ષિકા તરીકે આ કાવ્ય અને કલાપીના બીજા કાવ્યો વારંવાર બાળકો ને ભણાવ્યા હતા અને સુરસિંહજી તખ્તસિંહ ગોહિલ ની જીવનકથા પણ વાંચી હતી. નાની ઉંમરમા ગુજરાતી સાહિત્યને “કલાપી નો કેકારવ” નો સમૃધ્ધ વારસો આપતા ગયા.

  3. વાહ! રાજવી કવિ કલાપીનું અદભૂત કાવ્ય! એમના કાવ્યો જેટલી વાર વાંચો એટલી વાર હૃદયને ઊર્મિ સભર બનાવી દે છે.
    એમના કાવ્યો એટલે ‘અવતરણો’ નો અમૂલ્ય ખજાનો!
    સુધીર પટેલ.

  4. વાહ, રાજવી કવિ કલાપીનું અદભૂત કાવ્ય! જેટલી વાર માણો એટલી વાર હૃદયને ઊર્મિથી ભરી દે! આ બન્ને પંક્તિઓ આજે તો સૌથી વધારે પ્રસ્તુત છે!
    એમના કાવ્યો એટલે ‘અવતરણો’ નો ખજાનો.

    રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું,
    ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું

    સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
    સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

    સુધીર પટેલ.

  5. “સૌન્દર્યો પામતા પહેલા” આ વાક્ય-કડી તો વરસોથી વારંવાર વાંચવાં કે સાંભળવાં મલી છે પણ આખું કાવ્ય તો તમે આજે આપ્યું ત્યારે યાદ આવ્યું કે આખું કાવ્ય તો
    ૫૫-૫૭ વરસ પહેલા ભણવામાં આ કાવ્ય આવતું હતું અને ત્યારે શિક્ષક ભણાવતા ભણાવતાં ભાવ વીભોર થઈ જતાં એ યાદ આવી ગઈ.

    આજે તો તમારા જેવી વેબસાઈટ ઉપરજ આવા આવા અમુલ્ય કાવ્યો વાંચવા-સાંભળવા મલે છે. સરસ કાવ્ય છે.

  6. સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
    સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
    કેટલી અદભુત છે આ વાત! ખરેખર કલાપી સ્પન્દનો વ્યક્ત કરવામા અજોડ હતા.

  7. યુગો પછી જાણે આ કવિતાને ફરી અડ્યો… વીતેલા વર્ષો ફરી જીવી ઊઠ્યા… ઇન્ટરનેટની આ સાચી ઉપલબ્ધિ, બીજું તો શું!? અલમારીના પાછળના ભાગે દબાઈ ગયેલા જૂના પુસ્તકના કોઈક પાને ધરબાઈ બેઠેલી કવિતા પણ અહીં આળસ મરડીને ઊઠતી નવયૌવના સમા સાજ સજીને તમને મળવા આવે…

    આભાર !

  8. “સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
    સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.”

    ગુજરાતી સાહિત્યનાં અમર અવતરણો માહેનું અતિ સુંદર અવતરણ !
    હું ભુલતો ન હોઉં તો “ફેંકી દે ને, તુજ કરથી આ, પત્થરો ગોફણી આ !” પણ કલાપીની જ એક રચના છે.(શિખરિણી છંદ)

  9. adbhut! kalapi film ma mahendra kapoor na awaz maan gavayeli kavita “jya jya nazar mari” sambhalva mali jay to majha padi jay

  10. જયશ્રી બહેને શ્રી કલાપી નું કાવ્ય મુકીને મને ૧૯૫૯ ની યાદ તાજી કરાવી દીધી. ૯
    માં ધોરણ નાં અબ્ભ્યાસ ક્રમ માં બોટાદ સ્કૂલ માં માસ્ટર મોહમદ માંકડ થી શીખેલ દિવસો યાદ કરાવી દીધા………….આભાર.

Leave a Reply to sudhir patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *