હું તને કયાંથી મળું ? – -જવાહર બક્ષી

આ ગઝલનો પહેલો શેર એક ચોપડીમાં વાંચ્યો, અને તરત જ ગમી ગયો, આખી ગઝલ વાંચવાની ઇચ્છા થઇ, અને લયસ્તરો જેવા ગુજરાતી કવિતા – ગઝલોના દરિયામાંથી તરત જ આ મોતી જેવી ગઝલ મળી પણ ગઇ….

સ્વર: આલાપ દેસાઈ

આલ્બમ: ગઝલ રૂહાની

.

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

( આભાર : લયસ્તરો )

5 replies on “હું તને કયાંથી મળું ? – -જવાહર બક્ષી”

  1. ગઝલોના દરિયામાંથી કિનારે ઉભા ઉભા
    મળેલી મોતી જેવી ગઝલ!
    આભાર.

  2. આ ગઝ્લ આસિત દેસાઈ એ બહુ સ્રરસ સ્વ્રરબ્દ્ધ કરિ, ખાસ સાંભળ્સો.

Leave a Reply to harshad jangla Cancel reply

Your email address will not be published. Required fields are marked *