સંવેદનના બિંદુ પર… -એષા દાદાવાળા

(ગ્રીનરી… Lassen Volcanic National Park, CA…. Sept 09)

* * * * *

જોઈએ છે એક ઝાડ!
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ!
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-
ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું!
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય!

– એષા દાદાવાળા

સુ.દ. દ્વારા આ કાવ્યનો આસ્વાદ:

એષા દાદાવાળા સુરતમાં રહે છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. સર્જકતા અને પત્રકારત્વને હંમેશાં આડવેર નથી હોતું એનું આ એક ઊજળું ઉદાહરણ છે. વૈયકિતક અને સામાજિક સંવેદના કેવળ અંગતના સ્તર પર ન રહેતાં પૂરેપૂરા સંયમથી બિનઅંગત તરફ જઈને સ્વથી સર્વ સુધી પહોંચી શકે એવી છે. સંવેદના અને સંયમનો અહીં સહજ સંગત વર્તાય છે.

એષા અછાંદસ લખે છે. ઉમાશંકર જોશી કહેતા કે અછાંદસ શબ્દમાં પણ છંદ શબ્દ તો છે જ. આ વિધાનમાં કોઈ ચતુરાઈ નથી, પણ એમાં એક ઊડી વાત સમાઈ છે. અછાંદસને પણ એનો એક ગદ્યલય હોય છે.

આ કવયિત્રીની કવિતા વાંચતા વાંચતા કયારેક એમ પણ થયા કરે કે એ લખે છે કવિતા, પણ કેટલીક કવિતામાં તો નરી વાર્તાનાં બીજ છે. કોઈ એનો અર્થ એમ ન માને કે એ વાર્તાની અવેજીમાં કવિતા લખે છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંવેદનના એક બિંદુ પર રહીને કવયિત્રી કાવ્યનો ઘાટ ઉતારે છે.

જો આવું સંવેદનનું બિંદુ કોઈ વાર્તાકારને મળ્યું હોત તો એ કદાચ વાર્તાનો ઘાટ ઉતારત. અહીં બોલચાલની ભાષાના લયલહેકાની પણ કવયિત્રીને સહજ સૂઝ અને પરખ છે.

તાજેતરમાં આ કવયિત્રીનો ‘વરતારો’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ કવયિત્રીની કવિતા વિપિન પરીખના ગોત્રની છે અને છતાંયે કયાંય એનું અનુકરણ કે અનુરણન નથી. કોઈકે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો એને અભ્યાસની સામગ્રી મળી રહે એટલી માતબરતા બન્ને પક્ષે છે.

પ્રત્યેકની કવિતા સ્વયમ્ પ્રકાશિત છે અને છતાં અજવાળાની અનેક ઝાંય જોવા મળે. કાવ્યની પ્રથમ પંકિત જાણે કે જાહેરાતની ભાષાની હોય એવી લાગે. જોઈએ છે-એ અખબારી આલમનો જાહેરાતના પ્રથમ શબ્દો છે. આમ પણ અંગત રીતે આપણે બધા એક યા બીજા સ્વરૂપે માગણ જ છીએ. કશુંક ને કશુંક જોઈતું જ હોય છે એ રીતે આપણા દરેકમાં એક ‘જોઈતારામ’ બેઠા છે.

કવયિત્રી સિલ્વિયા પાથને એક જ પુરુષમાં પિતા, પતિ અને રોમેન્ટિક પ્રેમી જોઈતા હતા. આ તો લગભગ અશકય વાત છે. પિતાની છત્રછાયા જોઈતી હતી, પતિની સલામતી જોઈતી હતી અને પ્રેમીની રોમેન્ટિક મોસમ જોઈતી હતી.

આ ત્રણે વાસ્તવિક જીવનમાં ન મળ્યું એટલે એણે આત્મહત્યા કરી અને મરણમાં એને જાણે ત્રણ પુરુષ મળ્યા. આ તો એક આડ વાત થઈ. કવયિત્રીએ કાવ્યમાં એક ઝાડની માગણી કરી છે. કાવ્યમાં હોય છે એમ અહીં પણ ‘કહીં પે નિગાહે, કહીં હે નિશાના.’ વાત ઝાડની છે પણ આડકતરી રીતે આપણી ભાષાનું વૃક્ષ મૂળથી ઊખડી જાય છે એની તરફનો ઈશારો છે.

આ ઝાડ પર પંખી કે પંખીના માળા ન હોય તો ચાલશે. પંખી વિનાનું ઝાડ એક માણસ વિનાના ઘર જેવું, સ્મશાન જેવું જ લાગવાનું. છતાં પણ આપણી ચલાવી લેવાની વૃત્તિ છે. આ ઝાડ જોઈએ છીએ પણ કેટલીક પૂર્વ શરતોએ. એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ. એટલે કે બારેમાસ લીલું, વસંતના વૈભવ સાથેનું.

પાછું ઊચું. ઊચાઈ પણ માપસરની અને માફકસરની. બધું ટેલરમેઈડ હોવું જોઈએ. વૃક્ષની ઊચાઈ બીજા માળે આવેલા ફલેટની બાલ્કની સુધી. આપણી ભીખારી વૃત્તિ પણ કેટલી બધી શરતથી બંધાયેલી હોય છે. ઝાડ હોય એટલું જ બસ નથી એ ઘટાદાર હોવું જોઈએ, જેનાથી બાલ્કનીની વ્યૂ સુધરી જાય.

નવી પેઢીને-નવા જનરેશનને અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને વૃક્ષની ઘટા અને છટાને આધારે એને ગ્રીનરી પર એસે લખાવી શકાય. કાવ્યમાં અંગ્રેજી શબ્દનો જે ઉપયોગ કર્યો છે અથવા કરવો પડયો છે એ આપણી આદતનું પરિણામ છે.

આપણે હવે કેવળ ગુજરાતી નથી બોલતા, કેવળ અંગ્રેજી નથી બોલતા પણ ગુજરેજી બોલીએ છીએ. આવા જ કેટલાક અંગ્રેજી શબ્દો છે-પાનખર પ્રૂફ, બાલ્કની, વ્યૂ, મીડિયમ, ગ્રીનરી, એસે.

ઉમાશંકર જોશીએ લખ્યું:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી.

આપણે આપણી માતૃભાષાનું ગળું દાબી દીધું છે. ખરેખર તો સંસ્કૃત આપણું ભોંયતળિયું છે. ગુજરાતી આપણી ડ્રોઇંગરૂમની અને શયનખંડની ભાષા છે.

અન્ય પ્રાંતિય ભાષા એ આપણો ઝરુખો છે અને અંગ્રેજી આપણી અગાશી છે. આ એક આદર્શ પરિસ્થિતિ ગણાય. પણ અંગ્રેજો ગયા અને અંગ્રેજી મૂકતા ગયા અને હજીએ આપણે રોજને રોજ વધુને વધુ ઝુકતા રહ્યાં.

આજ કવયિત્રીએ ગીતો પણ લખ્યા છે છતાં પણ ગદ્ય કાવ્યમાં એમને વિશેષ ફાવટ છે. ‘ગર્ભપાત’ નામનું એક અન્ય કાવ્ય જોઈએ:

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો.
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો!
માના પેટમાં બચ્ચું આકાર લે,
બસ એમ જ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં…
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં!
ત્યાં અચાનક
પોપચાં ફડકયાં.
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ-લાલ થઈ ગયો.
આંખો ખૂલી ગઈ
અને
ફરી એક વાર
કસમયે
ગર્ભપાત થઈ ગયો એક સપનાંનો!

17 replies on “સંવેદનના બિંદુ પર… -એષા દાદાવાળા”

  1. મને કેમ એમ લાગે છે,
    કે આપણા સાહિત્યકારો, ડોક્ટરો જેવા થતા જાય છે.
    એકમેક ના reference આપીને જ આગળ વધતા જાય છે.
    “વાહ વાહ”, “સરસ્”, “સુંદર” જેવી બસ વાતો થતી રહે છે.
    લાગણી સભર નિબંધો ને કવિતા કહેતા રહે છે.
    પુસ્તકની આગળના પાના, reference થી ભરતા જાય છે.

    બોલો થઈ ગઈ ને કવિતા? મહેરબાની કરીને “વાહ વાહ” ના લખતા આદત પ્રમાણે.

  2. Sharp, biting and creative knitting of the words, by Aesha’s both poems, loved it. Sneaha’s poem is also very good.

  3. અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
    ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય!

    – એષા દાદાવાળા
    વાહ..વાહ..કોઈ શબ્દો જ નથી આને તો બસ દિલ ના ઉંડાણથી અનુભવી જ શકાય.

    એશાજી ની જેમ મને પણ અછાંદસ કાવ્યો બહુ ગમે છે.નીચેની આ રચના મારા પોતાના અનુભવની છે.એમના જેવી લખાણશૈલી પર પકડ હોત તો તો આની મજા જ કંઈક અલગ હોત. જોકે લાગણી અને સંવેદનશક્તિના આધારે થોડું ઘણું લખું છું.બહું બધું શીખવાનું છે અહીંથી સરસ મજાના અને હંમેશા નિઃસ્વાર્થભાવે મદદ કરવા તત્પર રહેતાં જાણકાર નેટ-મિત્રોના સહયોગ અને માર્ગદર્શન હેઠળ.

    આધુનિકતાનો શિકારઃ
    ————–
    આધુનિક્તાની વ્યાખ્યા સમ મૉમ-ડૅડ,
    મૉમ રમે મોબાઇલે sms,ડૅડ કોમ્પ્યુટરે કરે business.
    સખીઓ સાથે શોપિંગ તણા ગપાટા અને શેરમાર્કેટની ઉતર–ચડની ચિંતા,

    ઘરમાં એક માસૂમ કુમળું ફુલ પણ શ્વસતું ને પાંગરતું ,
    મૉમ – ડૅડના આધુનિકતા સમ આંચળ હેઠે કચડાતું,
    મૉમ સખીઓનાં problems સુલઝાવવામાં busy,
    ડૅડ businesનાં વિસ્તરણમાં રમમાણ.

    માસૂમ ફુલ ‘maths’નાં એક સમિકરણે અટવાય,
    મૉમ-ડૅડ,”can u please help me?”

    અમે અત્યારે થોડાં કામમાં છીએ ,
    તને કેટલું સમજાવ્યું છે,” don’t disturb us,
    અત્યારે ટાઈમ નથી અમારી પાસે.”

    દિલે ખારો ઉસ સમંદર ભરીને-
    ઘરની કાયમી સાથ આપતી દિવાલે અઢેલીને,
    માસૂમ દિલ પ્રભુને એક તીખી વેધક નજરે વીંધે..
    કાશ્.. મૉમ-ડૅડ બનવાની પણ એક school…

    સ્નેહા-અક્ષિતારક

  4. અને
    ફરી એક વાર
    કસમયે
    ગર્ભપાત થઈ ગયો એક સપનાંનો!

    excellent…No words to describe the “Savendana” in this line

  5. શહેરમાં ભણતાં બાળકોને પુછો કે દુધ કોણ આપે છે? તો કહેશે”ભઈયો કે ડેરી”, કારણકે તેણે ગાય ભેંસ તો જોઈજ નથી, એમ હવે શહેરમાંથી ઝાડપાન તો લગભગ નીકળી ગયા છે ત્યારે “ગ્રીનરી
    ઉપર નીબંધ લખવા માટે ઝાડ તો જોઈએને? અને એ પણ બારે માસ લીલું રહે એવું હોવું જરૂરી પણ છે!ખરુંને? સરસ કવિતા છે.

  6. Earlier, I have read this poem in ‘Kavita’. I admire ability of Esha to express the depth of feelings. Complements for uploading this poem on’ Tahuko’. Her another poem in which she has exprssed on this line – ‘Ishwar, Tare Kanya Paksh na riti rivaz ne maan aapvu joyiye.. Amare tya Pag Fero karvano rivaz chhe’ has soaked my heart into the situation created. I think, the title was ‘Pag Fero'[pardon my memory – if wrong]. It will be great if it is uploaded on ‘Tahuko’. – Viren Patel – Mumbai

  7. ખૂબ જ સરસ કાવ્ય.હજી હમણાં જ ભાવનગરમાં એષા પાસેથી જ તેની કવિતાઓ માણી.
    ” વરતરો ” જ્યારે અનુભવાશે ત્યારે……..!!
    સમાજની પરિસ્થિતી જ્યારે કાવ્ય દ્વારા વ્યક્ત થાય છે ત્યારે તેની એક અદભૂત સંવેદના અનુભવાય છે.
    એષા પાસેથી ખોબલે ખોબલે કાવ્યો મળતા રહે તેવી અભિલાષા.

  8. મને આ કાવ્ય ખુબ ગમે છે.અગાઊ આ ક્યાંક વાંચેલુ ત્યારેજ અસર કરી ગયેલું.ઊપર લખાયેલ રસાસ્વાદમાં આ લખાયું છે તે તે ગમ્યું.
    આ ઝાડ પર પંખી કે પંખીના માળા ન હોય તો ચાલશે. પંખી વિનાનું ઝાડ એક માણસ વિનાના ઘર જેવું, સ્મશાન જેવું જ લાગવાનું. છતાં પણ આપણી ચલાવી લેવાની વૃત્તિ છે. આ ઝાડ જોઈએ છીએ પણ કેટલીક પૂર્વ શરતોએ. એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ. એટલે કે બારેમાસ લીલું, વસંતના વૈભવ સાથેનું.

    પાછું ઊચું. ઊચાઈ પણ માપસરની અને માફકસરની. બધું ટેલરમેઈડ હોવું જોઈએ. વૃક્ષની ઊચાઈ બીજા માળે આવેલા ફલેટની બાલ્કની સુધી. આપણી ભીખારી વૃત્તિ પણ કેટલી બધી શરતથી બંધાયેલી હોય છે. ઝાડ હોય એટલું જ બસ નથી એ ઘટાદાર હોવું જોઈએ, જેનાથી બાલ્કનીની વ્યૂ સુધરી જાય.

    નરી કડવી વાસ્તવિકતા આ અછાન્દસમાં બખુબી મુકાઈ છે.જે વાચક્ને વિચારતો કરી મુકેછે.

  9. કવિયત્રી સંવેદનાના બિંદુ પર તમારી ટીપ્પણી વાંચ્યા પછી હ્રદયના તારને ઝંઝણાવી જાય છે, ભાષા અને આવનારી પેઢીને મુલવવાની વાત છે, શ્રધ્ધા રાખવા સિવાય બીજુ શું થઈ શકે………..

  10. This poem highlights the problem we all face that is far from nature and cut of from the very root from the life had begun. We all try to live a life with a view or perception of our rich bond with nature and now we have almost cut off from it and still we are surviving God knows how long it will go.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *