અહીં સંત જનમ્યા હતા પારણે પારણે – અશરફ ડબાવાલા

હું તો મારી તરસ લઇને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે,
એની ફરિયાદે ક્યાં જઇને કરવી હવે, એનાં ગીતો બધે માંડવે માંડવે.

મારા જીવતરની ચાદર મેં વેચી દીધી, મૃત્યુ પાણીના ભાવે જ લઇને ગયું;
શ્વાસે શ્વાસે વણી’તી મેં ચાદર અને ભાત પાડી હતી તાંતણે તાંતણે.

એક આકાર આપીને જંપ્યો નહિ, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો;
ખૂબ વલખાં મેં માર્યાં છટકવાનાં તોય મને ઘડતો રહ્યો ટાંકણે ટાંકણે.

આવી ઘટનાને અવસર પણ કહેવો કે નહિ એની અટકળમાં રાત પછી ઢળતી રહી;
મને સપનાની ડાળથી તોડી હવે એણે શણગાર્યો છે પાંપણે પાંપણે.

તેં જ સગપણ ને ઇચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા;
તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જનમ્યા હતા પારણે પારણે.

– અશરફ ડબાવાલા

11 replies on “અહીં સંત જનમ્યા હતા પારણે પારણે – અશરફ ડબાવાલા”

  1. તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જનમ્યા હતા પારણે પારણે.

    સુંદર ગઝ્લ.

  2. આફ્રિન,આફ્રીન !!
    ડૉક્ટર અશરફ ડબાવાલાની આ ગઝલ તેમના શ્રીમુખે શીકાગો ખાતેના કવિસંમેલન માં સાભળેલી ત્યારેજ વારી ગયેલો.
    ઈશ્વરે બધા માનવોમાં જન્મથી જ જીવમાંથી શીવ થવાની ક્ષમતા મુકેલી છે એ વાત ને કવિએ છેલ્લી બે પંક્તિઓમાં સુંદર રીતે મુકી આખી ગઝલ ને રુપાળું સ્વરુપ આપ્યું છે..
    આફ્રીન ના ઉદગારો એમને એમ ન નીકળે ! !

  3. અશરફભાઈની ખૂબ જ સુંદર અને મારી પસંદગીની ગઝલ ફરી અહીં માણી આનંદ થયો!
    સુધીર પટેલ.

  4. તેં જ સગપણ ને ઇચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા;
    તારી લીલાનો પરચો છે, નહિતર અહીં સંત જનમ્યા હતા પારણે પારણે.

    વાહ… !! ક્યા બાત કહિ… !! રદીફ પણ સરસ !!

  5. સરસ ગઝલ, ” અહીં સન્ત જનમ્યા હતા પારણે પારણે ” ની વાત કહી કવિશ્રીએ ઈશ્વરની લીલા અપરંપાર છે એ સરસ રીતે કહ્યુ છે….

  6. અશરફ ડબાવાલાની સુન્દર ગઝ્લ મુકવા બદ્લ આભાર્…!!!

  7. બહુ જ સરસ ગઝલ માણવા મળી છે,અશરફ તમારા કારણે કારણે. લીલા નો પરચો છે, નહિતર અહી સન્ત જનમ્યા હતા પારણે પારણે.

Leave a Reply to indrvadan g vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *