ચાલ્યો જવાનો સાવ – મનોજ ખંડેરિયા

૨૭મી ઓક્ટોબર – વ્હાલા કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની પુણ્યતિથિ. ૬ વર્ષ પહેલા અચાનક જ આપણી વચ્ચેથી એમણે ભલે વિદાય લીધી એમ કહેવાય – પણ મનોજ ખંડેરિયા આમ જુઓ તો ક્યાંય નથી ગયા…

અને હા, આજે ૩૧ ઓક્ટોબર – સરદાર જયંતિ..!! એમને આપણા સંપૂર્ણ ટહુકો પરિવાર તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

* * * * *

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઇ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

9 replies on “ચાલ્યો જવાનો સાવ – મનોજ ખંડેરિયા”

  1. સઘળુ છોડીને જ ખાલી હાથ જવાનુ છે પછી આ બધા મારુ- તારુના ઉધામા શાને માટે, કવિશ્રીની વેદના સમજાય તો જીવનમા પ્રશ્નો ઓછા થઈ જાય, કવિશ્રીને શ્રધ્ધાન્જલી અને વિષય પસન્દગી માટે આપને અભિનદન……

  2. એકદમ સુન્દર ઋદયસ્પર્શિ ગઝલ આપવા બદલ ખુબ ખુબ આભાર…કવિને અને સરદાર પટેલને શ્રધાંજલિ….
    આ કાવ્યથી મુકેશનુ ગીત યાદ આવે છે…સબ ઠાઠ પડા રહ જાયેગા…

  3. જે સત્ય નેપોલીઅનને વર્ષો પહેલાં લાધ્યું હતું એ આજે ભલે લોકો ભુલી જાય, પણ સત્ય તો સત્ય જ રહેવાનું કે માણસ આ જગતમાંથી જશે ત્યારે બધું અહીં મુકીનેજ જવાનો, સાથે કંઈ નહીં લઈ જવાનો.

    સરસ ગઝલ છે.

    મનોજભાઈને તથા સરદાર પટેલને હાર્દિક વંદન.

  4. દિલમા ચોટ આપતી આ ગઝલ જીવનનો સાર બતાવે છે
    ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવનો સાવ
    કહી જાય છે કેઃ ‘ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનુ છે’
    બહુજ સરસ,જયશ્રીબેન ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા બદલ ધન્યવાદ.

Leave a Reply to Mansi Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *