તું ઇટ્ટાકિટ્ટા છોડ – રમેશ પારેખ


અરે,
આમ નજર ના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયું બનાવી શકાય છે ?

એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક ન યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં…

હું કોઇ નક્કી નહીં હોઉં.

તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ

ક્યારેક રીંસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી ય દઉં, હું…

પણ અંતે તો સોનલ,
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,
તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.
તારી સકળ સુંદરતા બની તને ભેટી જ પડ્યો છું –
તારું સકળ સોનલપણું જ હું છું, લે…
અને તારે મારો ઇનકાર કરવો છે ?
એ પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?

તને હું બહું કનડું છું, કેમ ?
શું કરું ?
પ્રેમ સિવાય મારા માટે બધ્ધું જ દુષ્કર છે –
તું જ કહે,
તને ન ચાહું તો હું શું કરું ?

આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?
એક શરીરની બે આંખ છીએ ?
મને તો ખબર જ પડતી નથી.
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.

આ તું અને હું ના ટંટા પણ શા માટે ?
અરે… રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ ‘જુદાઇ’ ન કહેવાય.

ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,
અને કહી દે કે, હું હારી…

11 replies on “તું ઇટ્ટાકિટ્ટા છોડ – રમેશ પારેખ”

  1. વાહ ; ખુબ જ સરસ અને આલ્હાદક ક્રુતિ આજે ઘણાજ દિવસો પછી હાથ લાગી. – આમ તો આખે આખું લખાણ બહુજ ગમ્યું પણ તેમાં છેલ્લી પન્ક્તિઓ એ તો હદ કરી નાખી તે મને અતિસય પસન્દ પડી તેથી અહિયાં REPEAT કરવાનો મોહ રોકી શકતો નથી

    “તું સાવ બુદ્ધુ જ રહી.
    આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
    કંઇ ‘જુદાઇ’ ન કહેવાય.
    ચાલ, ઇટ્ટાકિટ્ટા છોડ,
    અને કહી દે કે, હું હારી… ”

    કવિ છેલ્લે પ્રેમીકા ને કહેવડાવે છે કે – “હવે ી દે કે હું હારી” –
    વાહ ભાઈ વાહ
    good GOOD & GOOD indeed.

  2. અઘરી વાતને આટલી સરળતાથી ર.પા.જ રજુ કરી શકે.જાણે મારી જ વાત…

    એવુ ખરું કે
    હું ઘડીક હોઉં
    ઘડીક ન યે હોઉં
    પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
    કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
    કે નીંદરની જેમ ઊડી યે જાઉં…

    કે પછી…
    તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું….

  3. નર્યા પ્રેમ થી નીતરતી રચના, પ્રેમ એટલે ર.પા. એમની દરેક રચના મા પ્રેમ જ પ્રેમ હોય ચે.

  4. તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું

    કેવુ સરસ!! કેટલો પ્રેમ વર્ણવ્યો છે કાવ્યમાં.

    આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
    કંઇ ‘જુદાઇ’ ન કહેવાય.

    ખુબ જ સરસ રચના.. મજા આવી ગઈ જયશ્રી.

     

  5. ર.પા. એટલે ર.પા.
    તેમના અછાંદસ માં પણ કાવ્યની સુંદરતા અમાપ છે

  6. કવિ ર.પા.પરોક્શ સાથે પણ શબ્દોથી કેવી સુંદર સંતાકૂકડી
    રમે છે.
    ચાંદસૂરજ

  7. મારું બહુ જ ગમતું કાવ્ય… ર.પા.ની ઉત્તમ રચનાઓમાંથી એક.

Leave a Reply to ધવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *