રૂમાલમાં ગાંઠ – મરીઝ

knot

ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ;
હ્રદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.

ન દિલમાં ગૂંચ છે કોઈ, ન છે ખયાલમાં ગાંઠ;
પણ એની સામે રહે છે બધા સવાલમાં ગાંઠ.

નજર અમારી તો ઊંચી છે, અમને જાણ નથી,
કે કોણ બાંધી ગયું છે અમારી ચાલમાં ગાંઠ.

ન શ્વાસ સહેલથી ખેંચાય છે, ન દમ નીકળે,
ગળામાં કેવી આ બાંધી તમે વહાલમાં ગાંઠ!

પણ એને ખોલવાની નવરાશ છે ન હિંમત છે,
મને ખબર છે કે ક્યાં ક્યાં છે મારા હાલમાં ગાંઠ.

અહીં સમયના સકંજાથી કોણ છૂટે છે?
ઘડી ઘડીની પડેલી છે સાલ સાલમાં ગાંઠ.

તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે!
હજાર બાંધીને છોડી દીધી ખયાલમાં ગાંઠ.

જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ,
પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.

‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ,
કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ?

( કવિ પરિચય )

5 replies on “રૂમાલમાં ગાંઠ – મરીઝ”

  1. “ન શ્વાસ સહેલથી ખેંચાય છે, ન દમ નીકળે,
    ગળામાં કેવી આ બાંધી તમે વહાલમાં ગાંઠ!”

    વાહ. તમારી વિદાય નો ડુમો. અને…

    “તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે!”

    બહુ ખુબ!

  2. મારા જેવા જ કોઈ વચનપરસ્ત (!) ને ધ્યાનમાં રાખીને જ મરીઝે આ યાદગાર શેર લખ્યો હશે ને –

    ‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ,
    કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *