આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને –
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

7 replies on “આસપાસ – મનોજ ખંડેરિયા”

  1. નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
    સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

    kavishrina vicharo ne birdavava rahya,,,
    ekalata jyare swapna b pichho nathi chhodti tyare eno ehsas kevo bani rahe chhe e bauj saras rite aa panktio kahi jay chhe….

  2. ” ચિંતન અને ઊર્મિનો ગઝલને ઉપકારક એવો સમંવય મનોજની ગઝલોમાં ઘણે સ્થળે થયો છે; એક જ શેરનું ઉદાહરણ લઈએ-

    કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
    એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

    કવિને વાત તો માનવીની એકલતાની કરવી છે. પણ તે એકલતાને સૂચવવા એ અંબર અને ઈશ્વરને યાદ કરે છે. આભમાં છે શૂન્યતા ને ઈશ્વરને ય સાલે છે એકલતા. તો માનવી તો સભર ક્યાંથી હોઈ શકે? ” – ડૉ. હરેશ ‘તથાગત’ / અધ્યક્ષ : ‘ગઝલ-પરિષદ’

  3. એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ
    ***
    સ્વજનો વચ્ચે હોવાં છતાં ય માણસની એકલતા આવી જ હોય છે ને!
    સુન્દર ગઝલ!
    આભાર.

  4. કેટલી મર્માળુ છે આ ગઝલ!
    જગતની ભીંતે ટાંગેલી આ ધબકતી જીંદગીની ઘડિયાળના
    કાંટાં રંગોની કંઈ કેટલીયે ક્અણોને ખેરવે છે પણ મધ્યબિંદુ
    તરીકે તો ફકત ઈશ્વરને રાખી એની આસપાસ જ ફરે છે.
    આમ ફરતાં ફરતાં એ મધ્યબિંદુને શોધી, એમાં સમાઈ
    જનમજનમના આ આસપાસના ફેરાને મોક્ષની શૂન્યતાનું
    પૂર્ણવિરામ દેવા ચાહે છે. એ મધ્યબિંદુ ભલા ક્યારે મળશે?

    ચાંદસૂરજ

  5. અદભૂત

    ખુબ જ સુંદર ગઝલ છે… એકે એક શેર લાજવાબ છે

Leave a Reply to radhika Cancel reply

Your email address will not be published. Required fields are marked *