શિલાલેખ – કૃષ્ણ દવે

તાજીમાજી પાંપણમાંથી ટગર ટગર આ નીરખ્યા કરતી આશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …
કેમ કરીને તોડી શકશો? પા પા પગલી ભરતાં ભરતાં આંગળીએ વળગેલા આ વિશ્વાસને,
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

હજુ મને હમણાં આ વૃક્ષે લીલુંછમ સરનામું આપ્યું,
હજુ મને હમણાં પંખીએ એક મજાનું ગાણું આપ્યું,
હજુ મને હમણાં ઝરણાએ ખળખળખળ વ્હેવાનું આપ્યું,
હજુ મને હમણાં શબ્દોએ આ કોરુંકટ પાનું આપ્યું,

હજુ મને હમણાં જ થયેલા જીવનના અહેસાસને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

મા જેવી આ ધરતીને તો સરહદના ખીલાઓ ઠોકી ઠોકી તોડો !
તેમ છતાંયે આ વ્હેતા ઝરણાના જળને,
લ્હેરાતા વાયુને અથવા ફૂંફાળા આહાશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

પથ્થરથી પાંપણ નંખાવો કે રેતીનાં જંગલ વાવો,
કાં આંસુનાં મ્હોરાં પહેરી કીકીમાં વિસ્ફોટ કરાવો,
અને છતાં અકબંધ જ રહેતી સંવેદનના શિલાલેખશી

આંખોમાં છલકાતી આ ભીનાશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

ક્યાંક કોડિયે ટમટમતા રહી આખ્ખેઆખ્ખી રાત પી ગયા,
ક્યાંય હલેસાં થઇ બેઠા તો આખ્ખો ઝંઝાવાત પી ગયા,
ક્યાંય અંજલિ ભરી ઊભા તો પળમાં સમદર સાત પી ગયા,
ક્યાંક બની મુસ્કાન હોઠ પર ઘટ્ક દઇ આધાત પી ગયા,

પછી અમારા અંતરમાંથી પ્રગટેલા અજવાશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

Shilalekh – krushna dave

2 replies on “શિલાલેખ – કૃષ્ણ દવે”

  1. Jay says:

    ‘આશ’, વિશ્વાસ, અહેસાસ, આહાશ, સંવેદન, ભીનાશ, અજવાશ, – આ બધાનો સમન્વય એટલે એક સુન્દર જીવન જીવવાનો અભીગમ. આજે માર હાથમાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’ આવી ગયું. રમેશ શાહે પ્રતિભાવ વિભાગ માં કવિઓ વિષે બહુ જ સરસ લખ્યું છે. એમનાં જ શબ્દોમાં:

    “કવિઓ તો સતત ગુલાલ ઉડાડતાં જ હોય છે. એ જ કવિ ની અને કાવ્યની કમાલ છે! એ કમાલની અનુભુતિ પરમ આનંદ છે..” ‘ગુર્જરી ડાયજેસ્ટ’, પાનું ૨૨, જુલાઈ ૨૦૦૫

    ઇશ્વર ની અનુભુતી કરાવતી કવિતાને મારાં હાર્દિક વંદન. જય.

  2. UrmiSaagar says:

    ખરેખર… ખુબ જ સુઁદર કવિતા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *