તડકાનો માણસ… ધ્રુવના પ્રદેશે કેદ ! – ભગવતીકુમાર શર્મા

alaska

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

( કવિ પરિચય )  

Tadaka no maanas dhruv na pradeshe – bhagavatikumar Sharma, bhagavati kumar

3 replies on “તડકાનો માણસ… ધ્રુવના પ્રદેશે કેદ ! – ભગવતીકુમાર શર્મા”

 1. sagrika says:

  “મળી આજીવન……… ” આ શેર “ડોક્ટર ની ડાયરી” મા એક વાર વાંચેલો, આજે આખી ગઝલ વાંચી આનંદ થયો.

 2. dipti says:

  મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
  હતા આપણે મૂળ તડકાના માણસ.

  અમેરિકાની ઠ્ંડી તો ધ્રુવના પ્રદેશની જ ને! આપણે તો મૂળ ભારતના માણસ.

 3. એક વાર ગાંધીનગર ની સડકો પર છેલ્લી બે પંક્તિ લખેલું હોર્ડિંગ જોયેલું. સાહિત્ય પરિષદ ની જાહેરાત સ્વરૂપે. ભગવતીકુમાર શર્મા ની આ રચના ત્યારથી હૃદય માં ઘર કરી ગઈ. હું જેટલી વાર આ રચના વાંચું છું એટલીજ સંવેદના દરેક વખતે અનુભવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *