લઇ ઊભા – મનોજ ખંડેરિયા

ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઇ ઊભા
અમે આ છાતીમાં જખમ નિત તાજો લઇ ઊભા

પળો જે જે સામે મળતી રહી તે લૂંટતી રહી
અમે આ વેળાનો રસભર તકાજો લઇ ઊભા

હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને
અમે તો સ્કંધે કૈં વરસથી જનાજો લઇ ઊભા

નથી તૂટ્યોફૂટ્યો તરડ પણ એકે નથી પડી
મળેલો મૂંઝારો અબતલક સાજો લઇ ઊભા

ગળે ડૂમો એવો હરદમ મળ્યો માપસરનો
નહીં ઓછોયે કે નહીં જરાય ઝાઝો, લઇ ઊભા

પ્રતીક્ષા છે ક્યારે જનમભરનાં લંગર છૂટે
બુઝાતા શ્વાસોના તટ પર જહાજો લઇ ઊભા

અમારાથી થૈ ના કદી પણ અનાવૃત કવિતા
અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા

– મનોજ ખંડેરિયા

2 replies on “લઇ ઊભા – મનોજ ખંડેરિયા”

  1. અદભુત ગઝલ… કવિતાને અનાવૃત્ત કરવાની વાત અને ભાષાના લયમય મલાજાની વાત કેવી લવચીકતાથી કરી છે !

  2. Pancham says:

    આ ગઝલને ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ ઢાળમાં ગાવાની મજા પડે એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *