હું – સાઇકલ – પપ્પા – ધડામ……….. – વત્સલ શાહ

(આધાર)
26 જુલાઇ, 2008 ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ વખતે
સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં એક પિતા એના પુત્રને
સાઇકલ શીખવી રહ્યા હતા.

દ્રશ્ય – ૧

પપ્પા, જુઓ જુઓ
આ સાઇકલ હું ચલાવું છું જાતે
કેવા મારું છું પેડલ ગોળગોળ
તમારો હાથ ખસેડી લો હવે તમે
ના, નથી જરૂર તમારા ટેકાની હવે મને

અમે તો જુઓ જુઓ, આ ઉડ્યા
હા, પપ્પા
હવે હું ને મારી સાયકલ
ફરતાં ફરતાં પહોંચીશું
કોઇ અજ્ઞાત દૂરિત દેશમાં
તમે પોકાર્યા કરો ભલે હવે પાછળ
તમે દોડ્યા કરો ભલે હવે પાછળ
તમે ભલે શીખવી સાયકલ
પણ હવે અમે છીએ એકલાં,
હું ને સાઇકલ.

પપ્પા, આવજો,
બાય – બાય
ધડામ

દ્રશ્ય – ૨

ક્યાં છે મારી સાયકલ?
સાયકલના ગોળ ફરતામ પેડલ?
પેડલ પર ગોળ ફરતા મારા પગ?
ક્યાં છે મારા પગ?

કેડ નીચેના ભાગે કેમ વર્તાય ખાલીપો?
મારા હાથ સ્પર્શ છે આ જેને
તે પગ છે કે ખાલીપો?

પપ્પા, ક્યાં છો તમે?
‘શાબ્બાશ બેટા’ કહેતો તમારો
અવાજ
મારા મસ્તિષ્કના આનંદ-તારને
રણઝણાવતો તમારો અવાજ
ક્યાં છે?

હા, સંભળાય છે, મને તમારો અવાજ
પણ, આ તો અવાજ છે કે પડઘો?
મારા પગ ભેગો એ અવાજ
પણ ઓગળી ગયો શું શૂન્યમાં?

પપ્પા, ક્યાં છો તમે?
તમારા અવાજની પાછળ
આ ભયાનક અવાજ શેનો?
તમારા શબ્દો હજુ મારા કાન સુધી
પહોંચ્યા, ન પહોંચ્યા ને
હવામાં જ ભયાનક ધડાકાથી ચૂર ચૂર થયા શું?

પપ્પા,
મને અહીં મૂકીને એકલો
તમે સાઇકલ લઇ
પહોંચી ગયા
શું કોઇ અજ્ઞાત – દૂરિત દેશમાં?

– વત્સલ શાહ

5 replies on “હું – સાઇકલ – પપ્પા – ધડામ……….. – વત્સલ શાહ”

  1. સંવેદનશીલ રચનાઓ…

    પહેલી વધુ ગમી ગઈ પણ બાળકની ઉક્તિ હોવા છતાં બાળસહજ શબ્દોનો અભાવ જરા કઠ્યો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *