ગઝલ – રુસ્વા મઝલુમી

ન પૂછશો દોસ્તો – એ, લાજની મારી હતી, કેવી ?
કે મારા હાથમાં લેટી રહી’તી ચાંદની કેવી ?

અમે કલ્પી હતી કેવી અને એ નીકળી કેવી ?
હવે શો ફાયદો કહેવાથી કે દુનિયા હતી કેવી ?

હતી પહેલાં હવે એવી અમારી જિંદગી કેવી ?
નથી એ યાદ પણ ત્યારે હતી મનમાં ખુશી કેવી ?

દિલાસો આપવા માટે પધાર્યા હોય ના પોતે ?
કબરનાં ઘોર અંધારે નહીં તો રોશની કેવી ?

ખુદાની મહેર છે, મીઠી નજર છે મહેરબાની છે,
અમારે ખોટ કૈં કેવી, અમારે કંઇ કમી કેવી ?

મને એકાંત આપો મારે અંગત વાત કહેવી છે
ખુદા જાણે કયામતમાં મળશે મેદની કેવી ?

સરળ શબ્દો વડે ‘રુસ્વા’ ગહન મર્મો ઉકેલે છે
છતાંય એની ગઝલોમાં મળે છે સાદગી કેવી ?

4 replies on “ગઝલ – રુસ્વા મઝલુમી”

  1. રુસ્વા મઝલુમીનો એમનાજ શબ્દોમાં ટુંકો પરિચય આપું.

    ‘મહોતાજ ના કશાનો હતો કોણ માનશે?
    મારોએ એક જમાનો હતો કોણ માનશે?
    ‘રુસ્વા’ કે જે શરાબી મનાતોરહ્યો સદા,
    માણસ બહુ મજાનો હતો કોણ માનશે?’

  2. હતી પહેલાં હવે એવી અમારી જિંદગી કેવી ?
    નથી એ યાદ પણ ત્યારે હતી મનમાં ખુશી કેવી ?

    શોધું હું બહાનું તને મળવાનું
    ને પછી કદી જુદા ન પડવાનું
    ‘નટવર’ તો જીવે છે તારે માટે
    તારા વિના જીવું તો કેવું જીવવાનું ?

  3. હતી પહેલાં હવે એવી અમારી જિંદગી કેવી ?
    નથી એ યાદ પણ ત્યારે હતી મનમાં ખુશી કેવી ?

    સરળ શબ્દોમા કહેલી ગહન વાત.

  4. જયશ્રીબેન
    સરળ શબ્દો વડે ‘રુસ્વા’ ગહન મર્મો ઉકેલે છે. રુસ્વા મઝલુમી નો વઘારે પરિચય આપી શકશો? ગજલ અતિશય ગમી.
    ચન્દ્રકાંત લોઢવીયા.

Leave a Reply to ભાર્ગવ ઠાકર Cancel reply

Your email address will not be published. Required fields are marked *