જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની – કલાપી

આ ગઝલ આમ તો મારી પાસે ૪ મહિનાથી છે – અને આ ૪ મહિનામાં કેટલીયવાર સાંભળી પણ એનો કેફ જયારે ઉતરતો જ નથી. તમને થતું હશે કે તમારા સુધી આ ગઝલ પહોંચાડવામાં આટલી રાહ કેમ? એ તો એવું છે કે – આજના દિવસ માટે બચાવીને રાખી હતી..!

આ સ્પેશિયલ ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – એક એકદમ સ્પેશિયલ Couple માટે !! 🙂

લયસ્તરો પર ‘આપણી યાદગાર ગઝલો’ શ્રેણીમાં ધવલભાઇએ આ ગઝલ માટે કહેલા શબ્દો ફરી એકવાર મમળાવવા જેવા છે.

‘કલાપી’ ગુજરાતી કવિતાનો પહેલો rock star હતો. રાજવી કુળ, એમની સાથે સંકળાયેલી પ્રણયકથાઓ અને નાની વયે મૃત્યુ – એ બધાએ એમને એક દંતકથા સમાન બનાવી દીધા છે. જેમના જીવન પરથી ફીલ્મ બની હોય એવા એ એક જ ગુજરાતી કવિ છે. આપની યાદી વિશે કાંઈ લખવું જરૂરી નથી – આપણે બધા એને પાઠ્યપુસ્તકમાં ભણી જ ચૂક્યા છીએ. છેલ્લા બે શેર મારા અતિ પ્રિય શેર છે. આટલા વર્ષે પણ રોજબરોજમાં વાપરવાના થાય છે. લોકો એક જમાનામાં ચર્ચા કરતા કે આ ગઝલ ભગવાનને સંબોધીને લખી છે કે પ્રેમિકાને સંબોધીને લખી છે. એના પર ઘણા સંશોધન પણ થયા છે. મારે તો એટલુ જ કહેવાનું કે ‘કલાપી’ માટે તો પ્રેમ જ ઈશ્વર હતો… આગળ તમે પોતે જ સમજી જાવ !

(જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે…      Fort Bragg, CA – Nov 08 )
* * * * * * *

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી
સંગીત Arranger : ઇમુ દેસાઇ

.

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-કલાપી
(1874 – 1900)

63 replies on “જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની – કલાપી”

  1. કલાપિનો કેકારવ – જેમા કલાપીની ગઝલો અને કાવ્યો સંગ્રહીત છે. જરુર વાંચશો.
    જેવીકે:-

    રે પંખીડા સુખથી ચણજૉ, ગીતડા કાંઈ ગાજો
    શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. યાતો

    વહાલી બાબા સ્મરણ કરવું ઍજછે એક લહાણુ. યા

    મારે હિસાબે, કલાપી “નરમ દિલ ના રંગીન કવી છે”

  2. આ કમ્પોઝીશન ક્યાં રાગ માં છે? કોઈ કહેશે?

  3. PADRE THI RASTA O PANCHHA VADSE RE LAI LEN DEN TUTYA NU SUL,
    DAMRI JEVU RE KAI CHADTU DEKHASE PACHHI MIRA VIKHRAYA NI DHUL……….

Leave a Reply to Ramesh Jiva Keshwala Cancel reply

Your email address will not be published. Required fields are marked *