ગઝલ – ચિનુ મોદી

આયનેથી ધૂળ ઝાપટજે હવે
તું ત્વચા ફાડીને અવતરજે હવે

પાપણો બાળી ગયા છે એટલે
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે

મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર
વીજળીની જેમ ત્રાટકજે હવે

હાથ મારો હાથમાં લીધો તો છે
રોગ શો છે એય પારખજે હવે

જાતને સીમિત કરી ઇર્શાદ તેં
શંખમાં દરિયાને સાંભળજે હવે

હું રાજી રાજી થઇ ગયો છું જોઇ જોઇને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઇ ધોઇને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઇને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઇને

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઇ શકું હોઇ હોઇને

ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.

4 replies on “ગઝલ – ચિનુ મોદી”

  1. એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
    આંખોને લાલઘુમ હું રાખું છું રોઇ રોઇને

  2. ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો :
    તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.

    સુંદર….

  3. ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો :
    તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.
    WOW!AMAGING LINES…..SIMPLY SOME MEETINGS AND SOME PEOPLE ARE SIMPLY IRREPLACEABLE.

  4. આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે;
    પાણીની સમજણ નથી ને વ્હાણ નો આકાર છે.

    ઇર્શાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *