આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી

9 replies on “આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….”

 1. તમારી મહેનત અને તમારું વાંચન – બંને દાદ માંગી લે છે… આ નવા પ્રકારની પોસ્ટની રજૂઆત મોરપિચ્છના રંગોને ઓર મનમોહક બનાવી દે છે….

 2. સુંદર સંકલન -આભાર .

  કચ્છ ભુકંપ વખતે લખાયેલે કવિતા યાદ આવી ગઈ.

  ચાલ ફરી આ ઉપવન ,મહેકાવવાની, વાત કર,
  ચાલ ફરીથી ટટ્ટાર ઊભા થવાની વાત કર,

  અશ્રુઓના ધોધને શું થયું પૂછો નહીં,
  નિ;સહાય આંખ પર બંધ ધરવાની વાત કર.

  જડ થયેલા હૈયાની, જડતા સમાવવા આજ,
  લાગણીથી ફરી ચેતન અવતારવાની વાત કર ..

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

 3. vijay says:

  સુંદર સંકલન -આભાર

 4. Suresh Jani says:

  દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે
  મને તો મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે.  જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું
  છતાં હિમ્મત જુઓ , એ નામ ‘અમૃતલાલ’ રાખે છે.

  પોતાના પર જ ખુમારી થી કરેલી ગઝલ !

 5. pecks says:

  એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
  બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

  a great down to earth approach and self pride.

 6. pecks says:

  શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
  કોડીને શંખલીઓ દેશે તને કિનારા
  વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
  મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા
  good enough to think big and worthy.such lines make a new person with new vigour…..thanks…to the poet and the organiser.

 7. BIPIN MEUVA says:

  Musafir palanpuri saheb ae “mo ta gaja na manavi che . aemano avaj jane musayarama
  gazalkar ma sher bolirho hoy .Thank you BIPIN form radhanapur

 8. Munjal says:

  ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
  સંસારમાં રહીને શાયર થઇ શકું છું
  નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
  હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

  છે સુદર્શન ચક્ર જેવો જ ઘાટ મારો,
  ધારો તો ધર્મ છું ફેકો તો ધ્વન્શ છું હું

  અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
  મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
  આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
  શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

 9. vaddoriyamahi says:

  શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
  કોડીને શંખલીઓ દેશે તને કિનારા
  વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
  મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *