નીકળ્યા ! – અમૃત ઘાયલ

ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઇથી ન પ્રેમના અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથે લઇ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યા બિન્દુ મોતીઓ,
મારા કરમ કે આંસુઓ તોફાન નીકળ્યા.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યા પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ઘાયલ

10 replies on “નીકળ્યા ! – અમૃત ઘાયલ”

  1. આ મુક્તકો અગ્રેજેી પોપતિઆઓને ગુજરાતેી નિ તાકાત્ સુ

  2. અમ્રુત સાહેબ ‘ઘાયલ’ માટે કાંઈ પણ લખવું અથવા કહેવું એ મારા ગજા બહારની વાત છે. ખૂબ જ સુંદર ગઝલ…

    ‘મુકેશ’

  3. શક્તિશાળી શબ્દોની સજાવટમા ઘાયલસાહેબ નો જવાબ નથી.
    મજા આવી ગઈ.

    મનિષ સોની.

  4. જયશ્રીબેન
    નવા વર્ષની શુભકામના આકાશવાણી પર સાંભળેલી આ ગઝલ જુના દિવસોની યાદ અપાવી ગઇ સુરોની બહુ સમજ નથી પણ લગભગ આ જ રીતે હરીન્દ્ર દવેની એક ગઝલ ગવાઇ હતી એ જો મુકશો સાથે સાથે તો આનંદ થશે કંઇ નહિં તો શબ્દો જરુર થી મુકશો “ચહેરા મજાના કેટલા રસ્તા ઉપર મળ્યા”

Leave a Reply to jayeshupadhyaya Cancel reply

Your email address will not be published. Required fields are marked *