એવું બને કંઇ? – કૃષ્ણ દવે

ટહુકો પર ૧૦૦૦ પોસ્ટ મુકાયાના અવસર પર કવિ શ્રી કૃષ્ણ દવે એ ખાસ ટહુકો અને એના વાચકો માટે મોકલેલી કાવ્યાત્મક શુભેચ્છાઓ..

પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?

હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

જેમ બાળક પ્હેલવેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી એવી જ રીતે-
આંગણામાં સ્હેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

એ જ તો ખૂબી છે પર્વતની ઉકેલી જો શકો તો કંઇક ઉગી જાય અંદર એટલી ભીની લીંપીથી-
પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

ખુદની ઓળખને કદિ ભૂલ્યો નથીને એટલે તો આ મજા લૂંટી રહ્યો છું
ને જુઓ હું મૂળ મુકી જ્યાં ઉભો છું એ ભૂમી એ તળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

– કૃષ્ણ દવે

13 replies on “એવું બને કંઇ? – કૃષ્ણ દવે”

  1. તમો લખો અને હુ વાચુ જ નહિ એવુ બને નહિ ….ખુબ સરસ,ગઝલ.. ગણપત પરમાર

  2. પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
    મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
    જેમની પ્રતિક્ષા જીવન ભર હોઇ તેને ઓળખીએજ નહિં એવું બને કંઇ?

  3. ખૂબસુરત…

    હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
    તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

  4. અક્ષર પરથી આંખો સરકે ને છેક છાતીમાં ધ્રિબક ધ્રીબક ?! કોઈ જો કહેત તૉ લાગલુ જ કહી દેત કે એવું બને કંઈ?!!

  5. કૃષ્ણ દવે લખે અને મુકેશ ન વાંચે એવું બને કાંઈ……
    અને વાંચ્યા પચી વખાણે નહિ એવું બને કાંઈ…….

    બહુ સરસ રચના..

    ‘મુકેશ’

  6. જે ભાવથી કૃષ્ણભાઈ આ ગઝલ સંભળાવે ત્યારે એમ જ લાગે કે,
    બસ ખાલી લખી નથી ગઝલ … પણ તેને જીવી છે.

  7. સુંદર મજાની ગઝલ… છંદના વધારાના આવર્તનો, લાંબી રદીફ અને આવર્તનમાં થતી રહેતી અનિયત વધ-ઘટને કારણે ગઝલ ઓર આસ્વાદ્ય બની રહે છે…

  8. હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
    તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

    સરસ !

  9. ૧૦૦૦મી પોસ્ટ અને આ સુંદર UI માટે ખુબ ખુબ અભીનંદન

  10. ૧૦૦૦ વાર ટહુકવા બદલ હાર્દિક અભિનંદન અને લીલેરી સફર માટે શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

Leave a Reply to mukesh parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *