સહજ – કૃષ્ણ દવે

બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

માન, સન્માન આમંત્રણો પણ નહીં, આવવાના કશાં કારણો પણ નહીં
તે છતાં ઉમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે.
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહી જવા જે જતું હોય છે
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું
ઝૂલણાં છંદમાં આ રીતે પ્રગટવું? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

9 replies on “સહજ – કૃષ્ણ દવે”

  1. પ્રિય પંચમભાઈ,

    ગઝલશાસ્ત્રમાં આપ મારાથી વધુ જાણકાર છો એ હું જાણું છું. પણ ઉચ્ચારની આ પ્રકારની છૂટ ગીતમાં સ્વીકાર્ય બને, ગઝલમાં નહીં એમ હું નમ્રપણે માનું છું. આ ચારે ય શબ્દને આપણે પહેલા બે અક્ષર ભેગા કરીને કદી બોલતા નથી… અને એ રીતે બોલવાથી મને તો કઠતું હોય એમ જ લાગે છે… થોડો વધુ પ્રકાશ પાડવા વિનંતી…

  2. કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે.
    એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

    લાગે છે કે જાણે કૃષ્ણ દવેને શબ્દોને સજીવન કરી દેવાનું વરદાન છે 🙂

  3. કાવ્ય સુન્દર છે.છેવટે તો ..કવિને….
    ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં
    અંતે તો હેમનું હેમ હોયે !’
    ‘આત્મનું,તત્વનું,મસ્તીના તોરનું…
    હેમથી હેમનું કે પ્રથમ પહોરનું..
    પ્રગટવું સહજ છે ‘…એજ દેખાય છે !
    ‘હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખં:
    તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે !આભાર!

  4. પંચમજી, તમે કહ્યા મુજબનાં ઢાળમાં ગાતાં ગાતાં ફરી ગઝલને વાંચી જોઇ તો ગઝલની મઝા બમણી થઇ ગઇ… ખૂબ જ સુંદર, આભાર!

    આભાર જયશ્રી!

    ઊર્મિસાગર,
    http://www.urmi.wordpress.com

  5. આ ઊચ્ચારો કઠતા નથી માટે મારી દ્રષ્ટીએ ચોક્કસ માન્ય રાખી શકાય.
    આ એક ઝૂલણા છંદમાં અદભૂત ગીતનુમા-ગઝલ છે (વિશાળ પરિપ્રેક્ષ્યમાં એક સુંદર કાવ્ય)

    ખરેખરી મઝાતો આ ગઝલનેઃ ‘જાગને જાદવા…’ ના ઢાળમાં ગાવામાં છે.

  6. ઝૂલણા છંદ- ગાલગા ના આવર્તન-માં લખાયેલી સુંદર ગઝલ. કૃષ્ણ દવે ગીતોના માણસ છે એટલે એમની ગઝલમાં પણ ગીતોનો લય મહેસૂસ થાય. પણ ઘણી જગ્યાએ છંદ સાચવવા માટે શબ્દોના ઉચ્ચાર પ્રચલિત રીતથી અલગ કરાયા છે. જેમકે અહીં આ ઉચ્ચારો ગા-લ-ગાના ટુકડા જાળવવા આ રીતે કરવા પડશે:

    ઉમ-ડ-વું, ગર-જ-વું, વર-સ-વું, ઊઘ-ડ-વું, પ્રગ-ટ-વું…

    આ ઉચ્ચારોને માન્ય રાખી શકાય ખરા?

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *